કૉર્ટના હુકમનો અનાદર કરતા આહવા કૉર્ટે કાઢયો જંગમ મિલ્કત જપ્તિનો વૉરંટ

0
78

અન્યાયનો ભોગ બનેલા વ્યક્તિઓનો ન્યાયપાલિકામાં દ્રઢ થયો વિશ્વાસ,કૉર્ટ કચેરીના હુકમનો અનાદર કરતા તત્વોમા ફેલાયો ફફડાટ

આહવાઃ કૉર્ટના હુકમનો અનાદર કરવાના એક કેસમાં આહવા કૉર્ટે અરજદારની ન્યાયી અને વાજબી માંગણીનો ખૂબ જ સંવેદનશીલતા સાથે પડધો પાડતા, સામાવાળા સામે જંગમ મિલ્કતની જપ્તિનો વૉરંટ જારી કરતા, કૉર્ટ કચેરીના હુકમનો અનાદર કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

કેસની વિગતો જોઇએ તો આહવાના અરજદાર આદિલભાઇ હનિફભાઇ પઠાણ (સગીર)ના પિતા હનિફભાઇ મુસ્તાકભાઇ પઠાણ કે જેઓ આહવાના જ રફીકભાઇ જમાલભાઇ ધાનાણીની માલિકીના ટેમ્પો નંબર જીજે-૧પ-એક્સએક્સ-૯૪૫૨ ઉપર ડ્રાયવર તરીકે નોકરી કરતા હતા. જે દરમિયાન તેમને એક અકસ્માતનો ભોગ બનવુ પડયુ હતુ. જે બાબતે અરજદારે આહવાની મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ, મોટર અકસ્માત વળતર માટે અરજી દાખલ કરી હતી. આ કેસમાં રૂા.ર લાખ, ૩૦ હજારની રકમ અરજદારને ચુકવવાની શરતે સમાધાન કરાયુ હતુ. જે પૈકી સામાવાળાએ રૂા.૩૦ હજારની રકમ અરજદારને આપી, અને રૂા.ર લાખ આપવાનો વાયદો કર્યો હતો. આ બાકી રકમ માટે અરજદારે અવારનવાર માંગણી કરતા સામાવાળા દ્વારા તેમને ઉડાઉ જવાબ આપી તેમની સાથે ઠગાઇ કરી હતી. જેની સામે અરજદારે નામદાર કૉર્ટમાં રીકવરી અરજી દાખલ કરતા, આહવા કૉર્ટના ન્યાયાધિશએ કૉર્ટ હુકમનો અનાદર કરનાર સામાવાળા સામે તેમની જંગમ મિલ્કત જપ્તિનો વૉરંટ કાઢવાનો હુકમ જારી કર્યો હતો. જેને લઇને ડાંગ જિલ્લામાં કૉર્ટ કચેરીના હુકમને ધોળીને પી જતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જ્યારે અસરગ્રસ્ત અરજદારોનો ન્યાયપાલિકામાં વિશ્વાસ દ્રઢ થવા પામ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY