આહવાઃ ગત તા.૩જી ડીસેમ્બર ને વિશ્વ દિવ્યાંગ દિવસે આહવા ખાતે આહવા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના દિવ્યાંગ વિઘાર્થીઓ તથા તેમના વાલીઓનું બી.આર.સી.ભવન ખાતે જાહેર સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સર્વ શિક્ષા અભિયાન દ્વારા આયોજિત વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં આહવા તાલુકાના જુદા જુદા ગામોમાંથી ૩૦ જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના માટે આયોજકો દ્વારા વિવિધ શૈક્ષણિક અને રમતગમત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. બી.આર.સી. કોઓર્ડિનેટર કનકસિંહ જાદવે આ વેળા દિવ્યાંગ બાળક એ કુદરત તરફથી મળેલી વિશેષ બક્ષિસ છે તેમ જણાવી, તેમને બોજારૂપ નહીં પરંતુ ઇશ્વરે સેવાનો અવસર પ્રદાન કર્યો છે તેમ સમજવાની તેમના વાલીઓને અપીલ કરી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધનેશભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઇ ગાયકવાડ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ ધનજરાવભાઇ ભોયે સહિત આહવાની સરદાર શાળા, મિલપાડા શાળા, તાલુકા શાળા વિગેરેના આચાર્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લોક કક્ષાના આઇ.ઇ.ડી. અને ટી.ટી.બી.આર.પી. મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




