પ્રથમ દર્શિય રીતે હોસ્ટેલ સંચાલકોની નિષ્કાળજી સામે આવી
ડાંગ કલેક્ટરને જાણ થતા એસ.ડી.એમ. સહિત ડીઝાસ્ટર ટીમ પહોંચી ધટના સ્થળે


નિષ્કાળજી દાખવનારા કર્મચારીઓનો જવાબ તલબ કરાશે
આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે સનસેટ પોઇન્ટ પાસે કાર્યરત નવનિર્મિત નર્સિંગ કૉલેજના હોસ્ટેલના ડાઇનીંગ હોલમાં, ગત તા.૧૧/૧ર/ર૦૧૮નાં રોજ સાંજના ૮ થી ૮ઃ૩૦ વાગ્યાના સુમારે આગ લાગવાના બનાવ બાદ, ડાંગ કલેક્ટર બી.કે.કુમારને બીજા દિવસે એટલે કે તા.૧ર/૧ર/ર૦૧૮નાં રોજ આ અંગેની જાણ થતાં તુરત જ તેમણે તેમના મહેસૂલી અધિકારીઓની ટીમને ધટના સ્થળે જાતમાહિતી મેળવવા માટે રવાના કરી હતી.
સબબ, આહવાના મામલતદાર પી.બી.ગવળીના અહેવાલ મુજબ તા.૧૧/૧ર/ર૦૧૮નાં રોજ સાંજે ૬ઃ૩૦ થી લઇને રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યા સુધી આહવા નગરમાં વીજળી ન હતી. તેમ છતા નર્સિંગ હોસ્ટેલના વૉર્ડન શ્રીમતી નિમિષા ભોયેએ શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હોય તેવુ નિવેદન લખાવેલ છે. ત્યારે પ્રથમ દર્શિય રીતે વીજળી ન હોવા છતાં કઇ રીતે શોર્ટસર્કિટથી આગ લાગી તે તપાસ માંગી લે તેવી બાબત હોવાનુ તેમણે નોંધ્યુ છે. વીજળી ન હોવાને કારણે હોસ્ટેલમાં રહેલી ૧૬૦ વિઘાર્થીનીઓ પૈકી હાજર ૧૨૦ વિઘાર્થીનીઓને નિયત સમય કરતા વહેલુ ભોજન કરાવી દેવાયુ હતું, અને ધટના ધટી તે સમયે બધી વિઘાર્થીનીઓ ઉપરના પહેલા માળે પોતપોતાના રૂમમાં હતી. ભોંયતળિયે ડાઇનીંગ હોલમાં આગ લાગવાની જાણ થતા વૉર્ડન સહિત વૉચમેન વિગેરેએ હોસ્ટેલ રૂમમાંથી છોકરીઓને સલામત રીતે બહાર કાઢી હતી.
બાદમાં આ અંગેની જાણ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સહિત વીજ કંપનીના ઇજનેરને કરાતા તેમના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઇને, વીજ પુરવઠાની લાઇન કટ કરી નાંખવામાં આવી હતી. પરંતુ મામલતદાર ગવળીના અહેવાલમાં નોંધ્યા મુજબ, હોસ્ટેલના ડાઇનીંગ હોલમાં લાગેલી આગ બાબતની જાણ વૉર્ડન, વૉચમેન કે ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી મંજુલાબેન ગામીતે સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીઝાસ્ટર શાખા કે કલેકટર કચેરીને ન કરીને, ગંભીર પ્રકારની નિષ્કાળજી દાખવી છે. અહેવાલમાં નોંધ્યા મુજબ ઇન્ચાર્જ આચાર્યા શ્રીમતી ગામીત વ્યારાથી આહવા દરરોજ અપડાઉન કરે છે.
વધુમાં હોસ્ટેલમાં ફીટ કરાયેલા સી.સી.ટીવી કેમેરા બંધ હાલતમાં જણાવા સાથે ફાયર સેફટીના એક પણ સાધનો અહીં રાખવામાં આવ્યા નથી. જેને પણ ગંભીર બાબત તરીકે ગણવામાં આવી છે.
વૉર્ડનના જણાવ્યા અનુસાર બે/ત્રણ માસ અગાઉ પણ અહીં શોર્ટસર્કિટને કારણે સ્વીચ બૉર્ડ બળી જવાનો બનાવ બન્યો હતો. જેની જાણ પણ તેમના દ્વારા સિવિલ સત્તાવાળાઓને કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે તેમના તરફથી કોઇ ગંભીરતા દાખવવામાં આવી હોય તેવુ જણાતુ ન હોવાથી મહેસૂલી અધિકારીએ આ બાબતને ગંભીર પ્રકારની નિષ્કાળજી ગણાવી સમગ્ર ધટનાની જાણ ડાંગ કલેક્ટરને કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






