અમદાવાદ,
તા.૬/૩/૨૦૧૮
અમદાવાદ દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ બુટલેગરોને નાથવા માટે પોલીસે લાલ આંખ કરી છે તેવામાં કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂની બોટલો સાથે ઝડપાતાં આખો પોલીસ ડિપાર્ટમેન્ટ આ મામલે ચર્ચાનો વિષય બન્યો છે. ઓઢવ વિસ્તારમાં ગઇ કાલે રામોલ પોલીસ અને ઓઢવ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રર વિદેશી દારૂની બોટલ અને ર૯ બિયરનાં ટીન સાથે ૧૦ એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)ના જવાનની રંગેહાથ ધરપકડ કરી છે.
ચેન્નઇથી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યૂટી મીટમાં ભાગ લઇને જવાન સરકારી બસમાં અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેઓ દારૂની બોટલો સાથે ઝડપાયા છે. રામોલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ. બી. ચૌધરીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં દસ એસઆરપી જવાન વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ એસઆરપી ગ્રૂપમાં ફરજ બજાવતા ૧૦ કર્મચારી ચેન્નઇમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યૂટી મીટની સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. તમામ કર્મચારીઓ ડોગ સ્કવોડમાં ફરજ બજાવે છે. ચેન્નઇમાં તેમના ભવ્ય પ્રદર્શન બાદ તેઓ સરકારી બસમાં અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે આવેલા એક બારમાંથી જવાનોએ વિદેશી દારૂની ખરીદી કરી હતી. દારૂ લઇને તેઓ અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે કોઇ બાતમીદારે પોલીસ કમિશનર એ. કે. સિંઘને બાતમી આપી હતી. બાતમીના આધારે પોલીસ કમિશનરે રામોલ પોલીસને વોચમાં રહેવા કહ્યું હતું અને જા દારૂની બોટલ મળી આવે તો યોગ્ય કાર્યવાહી કરીને કેસ કરવા આદેશ આપ્યા હતા.
બાતમીના આધારે રામોલ પોલીસ વોચમાં હતી તે સમયે એક સરકારી બસ, જેમાં એસઆરપીના જવાન બેઠા હતા તે રામોલ રિંગરોડ પરથી પસાર થઇ હતી. રામોલ પોલીસે બાઇક પર તેમનો પીછો કર્યો હતો, પરંતુ બસ રાજેન્દ્રપાર્ક સોસાયટી સુધી પહોંચી ગઇ હતી. રામોલ પોલીસે બસને આંતરીને આગળ બાઇક ઊભું રાખ્યું હતું.
રાજેન્દ્રપાર્ક સોસાયટી ઓઢવ પોલીસની હદમાં આવતી હોવાથી રામોલ પોલીસે તેમને જાણ કરી હતી. ઓઢવ પોલીસ અને રામોલ પોલીસે બસની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની રર બોટલ અને બિયરનાં ર૯ ટીન મળી આવ્યાં હતાં.
એસઆરપીના તમામ જવાનને ઓઢવ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર ઓઢવ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાતમી રામોલ પોલીસની હોવાથી તે આ કેસમાં ફરિયાદી બન્યા હતા. ઓઢવ પોલીસે એસઆરપીમાં ફરજ બજાવતા ત્રિલોચન પંડેર, મહેન્દ્રસિંહ ડાભી, કિશોર ચૌહાણ, કમલેશ ડામોર, મહેન્દ્રસિંહ જાડેજા, સુરેશ સોલંકી, સરતાન માવી, નરસિંહ વાઘેલા, પ્રવીણ મોગરિયા અને ઇશ્વર રોહિતની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. બી. ટંડેલે જણાવ્યું છે કે જવાનો દારૂ ક્યાંથી લાવ્યા તે મામલે તપાસ ચાલુ છે, પરંતુ તે દમણથી દારૂ લાવ્યા હોય તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"