બીલીમોરાનાં ધોલાઈ ગામે છેલ્લા ત્રણ દિવસમાં ૯ જણાને હડકાયેલા કૂતરાએ બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ઈજાગ્રસ્ત બીલીમોરા બીગરી અને વલસાડની હોસ્પિટલે સારવાર લઈ રહ્યા છે. બચકા ભરી ભાગી જતા કૂતરાને કારણે લોકોનાં જીવ પડીકે બંધાયા છે. બીલીમોરા નજીક દરિયા કાંઠે આવેલા ધોલાઈ ગામે મત્સ્ય બંદર આવેલું છે. દરિયામાં બોટમાં આવતી મચ્છીનો વેપાર અહીંયા થાય છે. ખરાબ-મૃત મચ્છીનો કચરો ખાવા માટે અહીં રખડતા કૂતરાઓની ફોજ ઉતરી પડે છે. જે પૈકી કોઈ એક કૂતરાને હડકાવો ઉપડતાં છેલ્લાં ત્રણ દિવસથી તે નાના-મોટા જે અડફટે ચઢે તેને બચકા ભરીને કાંઠાનાં ખાંજણ વિસ્તારમાં ભાગી જાય છે. ત્રણ દિવસમાં નાના-મોટાને બચકા ભર્યા છે. આથી લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. ગામનાં સાલાબેટ-રાજેન્દ્ર સ્ટ્રીટ-તેમજ બસ સ્ટોપ વિસ્તારમાં આ હડકાયેલા કૂતરાએ લગભગ ૯ જણાને બચકાભરી ઈજાગ્રસ્ત કર્યા છે. જેમાં નિરાલી અમ્રતભાઈ ટંડેલ, નયનાબેન પોપટભાઈ ટંડેલ, પ્રિયા નારણભાઈ ટંડેલ, સાધના ઉમેશભાઈ ટંડેલ, શીલાબેન મનસુખભાઈ ટંડેલ, છગનભાઈ ડાહ્યાભાઈ ટંડેલ, નિતિષા હરસિધ્ધ ટંડેલ અને આરૃણી વિવેકભાઈ ટંડેલનો સમાવેશ થાય છે. જે પૈકી કેટલાક ઈજાગ્રસ્તોએ બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં, કેટલાંકે બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ ડુંગરી અને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે સવારે ખમણ વેચવા આવેલા ફેરિયાને હડકાયા કૂતરાએ બચકુ ભર્યુ હતું. આ બાબતે ધોલાઈના સરપંચ બીનાબેન ટંડેલે ગણદેવી વનવિભાગને, એનિમલ સેવિંગ્સ ગ્રુપ અને બીલીમોરા ફાયર વિભાગને જાણ કરી હડકાયા કૂતરાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગણી કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"