બનાસકાંઠા,તા.૨૦
બનાસકાંઠામાં વધુ એક પછી એક ફાયનાન્સ કંપનીએ ઉઠામણું થતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરમાં આવેલી વધુ એક ફાયનાન્સ કંપનીના સંચાલકોએ દેવાળું ફૂંકાતા ૫૦૦ જેટલા ગ્રાહકોના અંદાજે ૩ કરોડ રૂપિયા ડૂબી જતાં સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય મથક પાલનપુરમાં પિયર્સ ઇન્ડીયા પ્રા. લી., નેક્સજેન કિસાન અને મનીષા મોટર્સ ફાયનાન્સ કંપનીના સંચાલકોએ ઉઠામણું કર્યું છે. પાલનપુરમાં છેલ્લા ૭ વર્ષથી આ ફાયનાન્સ કંપની શાખા ચાલુ હતી. વધુ વ્યાજ આપવાની લાલચમાં આવી જતા એક પછી એક એમ ઘણાં લોકોએ ખાતા ખોલાવી ડિપોઝિટ કરાવી હતી. તે ઉપરાંક રીકરીંગમાં પણ નાણાં જમા કરાવ્યાં હતાં.
૭ વર્ષ બાદ પાકતી મુદતે રૂપિયા લેવા જતા કંપનીના સંચાલકોએ ગ્રાહકોને ધક્કા ખવડાવવાનું શરૂ કર્યું હતું. સતત એક વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા બાદ અચાનક આ કંપનીના સંચાલકો અચાનક ઓફિસને તાળું મારીને ફરાર થઈ ગયા હતા. જેથી આ ફાયનાન્સ કંપનીના ગ્રાહકો પાલનપુર પોલીસ મથકમાં ફાયનાન્સ કંપનીના ૧૦ સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરમાં પિયર્સ ઇન્ડીયા પ્રા. લી., નેક્સજેન કિસાન અને મનીષા મોટર્સ ફાયનાન્સ કંપનીના સંચાલકોએ ઉઠામણું કર્યું છે.
ફરિયાદી રમીલાબેનનું કહેવું છે કે, હું આ કંપનીમાં રેગ્યુલર પૈસા ભરતી હતી, પરંતુ પાકતી મુદતે પૈસા લેવા જતા સંચાલકો તાળું મારીને ફરાર થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં છેલ્લા ૨ વર્ષમાં ૫ જેટલી ક્રેડિટ સોસાયટી અને ફાયનાન્સ કંપનીઓ ઉઠી જતા લોકોને કરોડો રૂપિયા ફસાયા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



