૨૩મીએ એક્ઝિટ પોલ કરતા પણ સારા પરિણામ આવશે : નીતિન પટેલ

0
19

ગાંધીનગર,તા.૨૦
૧૯મીએ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં દેશમાં ફરીથી એનડીએ સરકાર બનતી જોવા મળી છે. આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને સંબોધન કરતા ૨૩મી તારીખે એટલે કે ચૂંટણી પરિણામના દિવસે એક્ઝિટ પોલ કરતા પણ વધારે બેઠકો મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ નીતિન પટેલે વિપક્ષના ગઠબંધન પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, તેમનો ઉદેશ્ય દેશહિત નહીં પરંતુ વ્યકિતગત સ્વાર્થ હતો.
એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે, “અમે લોકોને પાંચ વર્ષનો હિસાબ પ્રજાને આપ્યો હતો. લોકો ફરીથી અમને પાંચ વર્ષની જવાબદારી સોંપે તે પ્રકારનો પ્રચાર અને પ્રસાર અમે વિનંતીના સ્વરૂપમાં કર્યો હતો. દેશની જનતાએ ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા છે.એક્ઝિટ પોલના મોટા ભાગના સર્વે ભારતીય જનતા પક્ષની તરફેણમાં છે. પરંતુ ૨૩મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે ભાજપ અને એનડીએ માટે એક્ઝિટ પોલ કરતા પણ વધારે સારું પરિણામ જાવા મળશે.”
કેન્દ્રમાં વિપક્ષના ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું કે, “ચૂંટણી પહેલા તમામ વિપક્ષના નેતાઓ એક સાથે આવ્યા હતા, પરંતુ ચૂંટણીનો સમય નજીક આવતા આ બધાની સત્તા લાલસા સામે આવવા લાગી હતી. આજ કારણે મહાગઠબંધન જેવું કંઈ રહ્યું નહીં. જે લોકો એક સાથે હાથ મિલાવી જાહેરમાં મંચ પર પ્રદર્શન કરતા હતા એ લોકો જ સામ સામે લડ્યા છે. કહેવાતું મહામિલાવટી ગઠબંધન વેરણછેરણ થઈ ગયું છે. તેમની પ્રાથમિકતા દેશહિત નહીં પરંતુ વ્યકિતગત મહત્વકાંક્ષા હતી.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY