રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૦૬ યાત્રાધામોને રૂ.૩૨૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી. નેટવર્કથી સુસજ્જ કરાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

0
68

સૂરતઃ
‘કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે. સુદ્રઢ કાયદો-વ્યવસ્થાના કારણે જ રોજગારી, વ્યાવસાયિક રોકાણનું પ્રમાણ વધે છે. રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં થયેલી રૂ. ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ સુરત પોલીસે માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્રિતીય શક્તિનો પરિચય આપ્યો છે. સુરત પોલિસના ટીમવર્ક અને સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોને દબોચી લેવામાં સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને રૂ.૩૨૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી. નેટવર્કથી સુસજ્જ કરશે.’ એમ સુરત ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત પોલિસ અભિવાદન સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
તાજેતરમાં સુરતમાં રૂ.૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલિસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલિસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે. ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિક ટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઇ જાય છે. સુરતમાં રૂ.૨૦ કરોડના હિરાની લૂંટ એ માત્ર લૂંટ નહીં, પરંતુ ગુજરાત પોલિસને ગુનેગારોનો પડકાર હતો, આ પડકારને હિંમતપૂર્વક ઝીલીને ગુનાના મૂળ સુધી જઈને પોલિસે અપરાધીઓને પોતાની અદમ્ય સાહસ અને શક્તિનો પરચો આપ્યો છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, અપરાધીઓને સાંખી ન લેવાના મિજાજથી ગુજરાત પોલિસનો ભારતભરમાં દબદબો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સીટી સાકાર થઇ છે. રાજ્યની શાંતિ, સુખાકારી અને સલામતીની જવાબદારી નિભાવતા પોલિસતંત્રમાં આ સરકારે મોટા પાયે ભરતી કરી છે. સાયબર ક્રાઈમમાં થઇ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે પોલિસતંત્રને ડિજીટલ બનાવવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પાછલા થોડા સમયમાં જૂનાગઢ, કડી,સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉકેલીને ગુજરાત પોલિસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. પરિણામે ગુનેગારોમાં પોલિસનો ફફડાટ ફેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગર્વભેર કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક અને હકારાત્મક નીતિઓના પરિણામે ગુનાખોરી ડામવામાં ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહ્યાં છે. રૂપાણીએ પોલિસના સન્માનના કિસ્સા જૂજ બનતા હોવાનું જણાવી પોલિસકર્મીઓના સન્માન અને પ્રોત્સાહનથી પોલિસનું મનોબળ મજબૂત થવાની સાથે તેમને જુસ્સાભેર કાર્ય કરવાનું બળ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરત પોલીસના આ બાહોશ અધિકારીઓનું સન્માન અને અભિવાદન કરતાં ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવી મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સેવાકીય ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત પોલિસની સમગ્ર ટીમને અભિનંદન આપી ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા હતા.
ગુજરાત રાજયના આર્થિક પાટનગર સમા સૂરત શહેરનો હિરા ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સાનુકુળ સ્થિતિના કારણે હિરા ઉદ્યોગ આજે દેશ-દેશાવરમાં વિખ્યાત થયો છે. સુરત અને હિરા ઉદ્યોગને શાંતિ અને સલામતી પુરી પાડનાર સુરત શહેર પોલિસનું ઋણ અદા કરવા અને પોલિસકર્મીઓના જુસ્સાને બુલંદ કરવાના આ અનોખા અવસરના ભાગરૂપે હીરા ઉદ્યોગની પ્રતિષ્ઠિત પ્રતિનિધિ સંસ્થા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલિસ અભિવાદન સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના પોલિસ વિભાગના ૭૦ થી ૭૫ હજાર પોલિસ જવાનોના શિરે ગુજરાતની સુરક્ષાની જવાબદારી છે. મુખ્યમંત્રી વિજયભાઈના પોલિસતંત્રને મુક્ત વાતાવરણ પૂરું પાડવાના અભિગમથી પોલિસના જોમ અને જુસ્સામાં વધારો થયો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનરાત ખડેપગે ફરજ બજાવતા પોલિસ જવાનોને આભારી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવેલું સન્માન પોલિસ જવાનોને વધુ ઉત્કૃષ્ટર સેવા પ્રદાન કરવા સતત પ્રેરણારૂપ બનશે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે યોગ્ય અધિકારીને યોગ્ય જગ્યાએ નિમણૂંક કરી સરકારે સલામતીની બાબતને અગ્રતા આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ પ્રબળ રાજકીય ઈચ્છા- શક્તિથી આ સરકાર કામ કરી રહી છે. સમાજને રંજાડતા તત્વો સામે કડક હાથે પગલા લેવા સમગ્ર રાજ્યને સી.સી.ટી.વી. નેટવર્કથી જોડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર પોલિસને મુક્તપણે કામ કરે તેવું વાતાવરણનું નિર્માણ કરતા પોલિસ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કામ કરી રહી છે, જે ગૌરવની વાત છે. તેમણે રાજ્યમાં દારૂબંધી અને ગૌ-રક્ષા માટે અમલી નવીન કાયદાઓની વિગતો આપી પોલિસકર્મીઓને અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ માર્ચના રોજ સુરત કતારગામ વિસ્તારમાં પાંચ લૂંટારૃઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત રૂ.૨૦ કરોડના હીરાની લૂંટ કરી હતી, જેનો સુરતની બાહોશ પોલિસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખીને લૂંટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત ગત ૨૬ માર્ચે પણ સુરત ક્રાઇમ બ્રાંચે ઉત્તરપ્રદેશના મેરઠ અને મુઝફ્ફરપુર જિલ્લામાંથી વધુ છ લૂંટારૂની ધરપકડ કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં સુરત પોલિસની વાહવાહી થઇ હતી. પોલિસની ઉત્તમ કામગીરીની નોંધ લેતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસ સાથે સંકળાયેલા પોલિસકર્મીઓ અધિકારીઓને રૂ.૧૦ લાખના ઇનામની પ્રોત્સાહક જાહેરાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોલિસ કમિશનર સતીશ શર્મા, જોઈન્ટ પોલિસ કમિશનર હરિકૃષ્ણ પટેલ સહિતના અધિકારીઓનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રીએ સુરત પોલીસની પ્રશસ્ય પહેલ એવી ગુનેગારોના ગુનાહિત માનસને સુધારવા માટેના ‘સમર્થ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરી ‘સમર્થ’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
સમારોહમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પોલિસ કમિશનર સતીશ શર્મા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકીયા સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર અસ્મિતાબેન શિરોયા, સાંસદ સર્વશ્રી સી. આર. પાટીલ, દર્શનાબેન જરદોષ, કલેક્ટર ડૉ.ધવલ પટેલ, ધારાસભ્યો સર્વ વિવેકભાઈ પટેલ, વિનુભાઈ મોરડિયા, પૂર્ણેશભાઈ મોદી, હર્ષ સંઘવી, કાંતિભાઈ બલર, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઈ ઘોઘારી, વી. ડી. ઝાલાવાડીયા, અરવિંદભાઈ રાણા, મુકેશભાઈ પટેલ, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી, સેવંતીભાઈ શાહ, સવજીભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, વલ્લભભાઈ લખાણી, સહિત મોટી સંખ્યામાં પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલિસકર્મીઓ અને ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY