ઇટાનગર,તા.૩
લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઈને પીએમ મોદી બીજેપીને જીત અપાવવા માટે સતત રેલીઓ કરી રહ્યા છે. બુધવારે અરુણાચલ પ્રદેશમાં મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર જારદાર હુમલો કર્યો. મોદીએ કહ્યું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર તો ઢકોસલાપત્ર (છળકપટ પત્ર) છે. તેઓએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસેકિયારેય વાયદાઓ પૂરા નથી કર્યા. રેલીમાં તેઓએ કહ્યુ કે વર્ષો સુધી કોંગ્રેસની સરકાર રહી, પરંતુ અહીં વિકાસના કામ નથી થયા. અમે પાંચ વર્ષ દરમિયાન અનેક વિકાસના કામ કર્યા, પરંતુ અમારે હજુ પણ કામ કરવાની જરૂર છે.
પીએમ મોદીએ અરૂણાચલની રેલીમાં કહ્યું કે, ઈટાનગર અને દિલ્હીમાં વિકાસનું ડબલ એન્જિન આપ સૌ લોકો છો. તેનું જ પરિણામ છે કે આજે વિકાસના નવા રસ્તે અરુણાચલ ચાલી પડ્યું છે. જે લોકોએ ૭૦ વર્ષ સુધી રાજ કર્યું, એક પરિવારે ૫૫ વર્ષ સુધી રાજ કર્યું, તેમ છતાંય કોઈ દાવો ન કરી શકે કે તેઓએ હિન્દુસ્તાનના તમામ કામ પૂરા કર્યા છે. મને તો પાંચ વર્ષ પણ થવાના બાકી છે, હું એવો તો દાવો ન કરી શકું કે મેં તમામ દાવા પૂરા કર્યા છે, હું દરેક પડકારોનો સામનો કરનારો માણસ છું. મુશ્કેલથી મુશ્કેલ કામ હાથમાં લેવાની તૈયારી રાખું છું. જે કામ હાથમાં લઉં છું, તેને પૂરું કરવા માટે જીવ લગાડી દઉં છું.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પીએમ મોદીએ કહ્યું કે એક તરફ ઈરાદાઓ વાળી સરકાર છે અને બીજી તરફ માત્ર અને માત્ર જૂઠા વાયદાઓ વાળા નામદાર છે. આ લોકોની જેમ જ તેમનો ચૂંટણી ઢંઢેરો પણ ભ્રષ્ટ હોય છે, છળકપટ સમાન છે. તેઓએ કહ્યું કે ઠંડી-ગરમી, વરસાદ, કોઈપણ હવામાન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, ચોકીદાર ચોકી કરતાં પણ કહે છે- જાગતે રહો. તેથી આપનો આ ચોકીદાર પણ આપને જાગતે રહો કહી રહ્યો છે. તેમના ભ્રષ્ટ વાયદાઓથી આપને ચેતવી રહ્યો છું.
વડાપ્રધાને જણાવ્યું કે અમે અમારા કાર્યકાળમાં દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. આ માટે અમે ૧૮ હજાર ગામો અને ૩ કરોડ પરિવારોને પ્રજ્જવલિત કર્યા. કોંગ્રેસે આ વચન ૨૦૦૪માં આપ્યું હતું, પરંતુ ૨૦૧૪ સુધી તે પૂર્ણ ના કર્યું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘કોંગ્રેસે ૨૦૦૯ સુધીમાં દરેક ઘરમાં વીજળી આપવાનું વચન આપ્યું હતું. આ માટે કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો પરંતુ હું આવ્યો ત્યાં સુધી અંધારપટ છવાયેલો હતો.’ કોંગ્રેસને આડેહાથ લેતા મોદીએ જનસભામાં મૈં ભી ચોકીદાર, સારા દેશ ચોકીદારના સૂત્રો લલકાર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





