સુરત,તા.૩
એટીકેટીની પરિક્ષામાં સુપરવાઇઝરે ૧૦ મિનિટ પહેલાં પુરવણી લઈ લેતા નાનપુરાના હતાશ વિદ્યાર્થીએ મંગળવારે અંબિકા નિકેતન પાછળ વોકવે પાસેથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ભરતીના પાણીમાં યુવકનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન બુધવારે ફરી ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો.
નાનપુરા કાદરશાની નાળ અર્પણ એપાર્ટમેન્ટ ખાતે રહેતો દિપક પ્રભાત શેટ્ટી(ઉ.વ.૨૦) જી.એન.પંડ્યા કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે દિપક તેની માતાની મેસ્ટ્રો મોપેડ લઈ અંબિકા નિકેતનની પાછળ વોકવે ખાતે ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરી તેણે તાપીમાં ભરતીના પાણીમાં ઝંપલાવી દીધુ હતું. કોઈક રાહદારીની નજર પડતા તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમ માંથી ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભરતીના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જાકે, ભારે શોધખોળ બાદ પણ મંગળવારે મોડે સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન બુધવારે ફરી શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો.
ફાયર ઓફિસરે વોકવે નજીક પાર્ક કરેલા મોપેડની ડીકીમાં મુકેલી ઈન્સ્યોરન્સ પોલીસી પરથી મળેલા નંબર પર ફોન કરી બનાવની જાણ કરતા દિપકના પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગઈ તા.૨૯-૩૦ના રોજ દિપકની એટીકેટીની પરીક્ષા હતી. જેમાં પરીક્ષાનો સમય પુરજા થાય તેની દસ મિનીટ પહેલા જ સુપરવાઇઝરે તેની પુરવણી લઈ લીધી હતી. જેથી દીપક હતાશ થઈ ગયો હતો અને તેના કારણે જ તેણે આવું પગલુ ભર્યુ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




