જામનગર,તા.૨૯
યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા ઓરીસ્સાના વેપારી યુવાનની પુત્રીએ હોટલના સ્વીમીંગ પુલમાં ન્હાતી વેળાએ અકસ્માતે પાણી પી જવાથી તાકીદે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં તબીયત સ્વસ્થ થયા બાદ રાત્રે ફરી શ્વાસોશ્વાસમાં તકલીફ સાથે તાવ આવી જતા તેણીને સારવારમાં લઇ જવાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું હતું.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઓરીસ્સાના સંભલપુર ખાતે રહેતા સુધાંશુબાબુ અંબિકાપ્રસાદ નામના વેપારી પ્રૌઢનો પરીવાર સાથે ગત તા.૨૬ના રોજ દ્વારકા પંથકના બરડીયા નજીક હોટલ મહીન્દ્રા ક્લબમાં રોકાયા હતા. જે દરમિયાન આ પરિવારની માસુમ પુત્રી સ્વયંસીધા(ઉ.વ.૯) ન્હાવા માટે હોટલના સ્વીમીંગ પુલમાં પડી હતી જે વેળાએ અકસ્માતે પાણી પી જવાથી તેણીને તાકીદે બહાર કાઢીને સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તબીબી સારવાર બાદ તેને સારૂ થઇ ગયું હતું. જેથી રજા પણ અપાઇ હતી. ત્યારબાદ રાત્રે ફરી તેણીને શ્વાસોશ્વાસમાં તકલીફ થતા તાવ આવી જવાથી ફરી સારવારમાં લઇ જવાતા સવારે તેનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવની મૃતકના પિતા સુધાંશુબાબુ અંબિકાપ્રસાદે જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃતકના પિતાનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે પરપ્રાંતીય પરિવારમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



