જેતપુર,તા.૧૧
જેતપુરમાં જીએસએફસી ગોડાઉનમાં ખાતરમાંથી કૌભાંડ ઝડપાયુ છે. ત્યારે આ મામલે તોલમાપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. તોલમાપ વિભાગની તપાસમાં થેલી દીઠ સરેરાશ ૪૦૦થી ૭૦૦ ગ્રામ વજનની ઘટ સામે આવી હતી. તપાસ બાદ હવે તોલમાપ વિભાગ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. આ મામલે જીએસએફસીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સમગ્ર કૌભાંડ સામે આવતા જીએસએફસીએ ખાતર ડેપો બંધ કર્યા છે. ખાતરના ડેપો બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે, હાલમા નવુ વાવેતર હોવાના કારણે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે. નવા વાવેતર માટે ખેડૂતો ખાતર લેવા માટે છેલ્લા ૩ દિવસથી ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે.
અમરેલીના બાબરામાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા ખાતર ડેપો પર જનતા રેડ કરવામાં આવી છે. ખાતરની થેલીઓમા સરેરાશ ૧૦૦થી ૫૦૦ ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવી છે. જનતા રેડના પગલે સંચાલકોએ ડેપો બંધ કર્યા છે. ખેડૂતોને પુરતા વજન સાથે ખાતર આપવા માંગ કરી છે.
ઇફ્ફકોનાં વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીનું ખાતર કૌભાંડ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ખાતરમાં વજનની ઘટ મામલે તપાસ ચાલી રહી છે. તપાસના રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે કૌભાંડ છે કે નહી. કોંગ્રેસ રિપોર્ટ પહેલા કોઇ આક્ષેપ ન લગાવે. જીએસએફસી દ્વારા આધુનિક ટેક્નોલોજીથી પેકિંગ કરાય છે. આવી ચુંક થવી અશક્ય છે. આગામી સમયમાં ઇફ્ફકો નેનો ટેક્નોલોજી ખાતર બનાવશે. નેનો ટેકનોલોજી દ્વારા પ્રવાહી ખાતર બનાવાશે. ટેકનોલોજી આગામી સમયમાં ખેડૂતો માટે આશિર્વાદરૂપ નિવડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




