જુલે વર્નની ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ જેવી ક્લાસિક કૃતિના અનુવાદનું આ શીર્ષક વર્ષો પહેલા સ્વ. મૂળશંકર મોહનલાલ ભટ્ટે રાખ્યું હતું. જે લોકો પોલિટીકલ પંચાત અને ચુગલીની ચોવટ સિવાય પણ નિયમિત ન્યુઝની ખબર રાખે છે એમને ખબર હશે કે થાઈલેન્ડમાં દિવસોથી એક દિલધડક હ્યુમન ડ્રામા ચાલી રહ્યો છે ! નેક્સ્ટ એપિસોડમાં શું થશે એ માટે જગતભરના દર્શકોના જીવ અદ્ધરશ્વાસે તાળવે ચોંટેલા છે. અને આ કોઈ સોપ ઓપેરા નથી, રિયાલીટી છે.

જાણ હશે જ કે, બે સપ્તાહ પહેલા ફૂટબોલ ટીમના બાળકો એમના ઉત્સાહી યુવાન કોચ સાથે ગુજરાતીઓના પ્રિય ટુરિસ્ટ ડેસ્ટીનેશન પટાયા પાસેના પહાડોની તળે આવેલી એક ગુફામાં સલવાઈ ગયા છે. ગુફામાં પછી તોફાન અને ભૂસ્ખલનને લીધે સ્થિતિ એવી સર્જાઈ છે કે અંદર રસ્તો બન્ધ ને પાણી ભરાયા છે. ભીતર ઓક્સિજનની અછત ને સાંકડી જગ્યામાં ભેજને લીધે માહોલ ભયજનક છે. થાઈ આર્મી સાથે મળીને આરંભમાં તો રેસ્ક્યુ ટીમએ કોમ્યુનિકેશન સ્થાપિત કર્યું. ત્યાં પહાડોમાં વોટર સકશન પંપથી શરુ કરી કેમેરા, સ્ક્યુબા માસ્કસ, પાઈપ વગેરે સાધનો સાર્યા અને વોર રૂમ બનાવ્યો. અંદર રોબોટ પણ ઉતાર્યો. મોટા ધડાકા જીવલેણ નીવડે એટલે પાણી ઉલેચવા માટે કાણા પાડયા. પણ મામલો વરસાદને લીધે બિચકતો ગયો. ઉપર તોતિંગ પર્વત છે, ફરતે ધરતીનું પેટાળ છે અને એકમાત્ર માર્ગ જે ખુલ્લો છે એમાં પાણી છે !

જોતજોતામાં એવી હાલત થઇ કે આવતા જાન્યુઆરી ૨૦૧૯માં વરસાદ અટકે પછી જ કોઈ કામગીરી પથ્થર તોડીને સુરંગ બનાવવાની થાય ! એમાં ય વળી નીચે જ બધો કાટમાળ જમા થાય તો જીવતી કબર ચણાઈ જાય ! દુનિયાભરમાંથી કાબેલ તરવૈયાઓ ભેગા થવા લાગ્યા. ડાઈવર્સ બાળકોને ખાધાખોરાકી અને ઓક્સિજન ટેંક દેવા ગયા. એમને હિંમત આપી ટકવા માટે. અંદર ઝાઝી સુરક્ષિત જગ્યા તો છે નહિ. કોચ છે એમને સાચવનાર એ ખુદ દૂધમલ જુવાનિયો છે ! હાલત કેવી હાલકડોલક હશે એનો પુરાવો એ કે ગુફાની ગુંગળામણે હજુ સુધી બાળકોનો તો નહિ, પણ એક થાઈ નેવીના ભૂતપૂર્વ કર્મચારીનો ભોગ તો લઇ જ લીધો છે. એ બાળકોને ઓક્સિજન સિલિન્ડર આપી આવ્યો પણ વળતા ઓક્સિજનની કમીને લીધે ખુદ નિશ્ચેતન થઇ ગયો. સાથી ડાઈવર્સ માંડ એને ઉપર લઇ આવ્યા. પણ ત્યારે માત્ર ખોળિયું જ બચેલું ને પ્રાણપંખેરું ઉડી ગયેલું.
જગવિખ્યાત અબજપતિ એવા ટેસ્લાના માલિક ઈલન મસ્કે પોતાના ટનલ બાંધવામાં બાહોશ એન્જીનીઅર્સની ટીમ અમેરિકાથી મોકલી છે. મહાસત્તાઓની સરકારો મદદ કરવા રેડી છે. પણ આમાં બળથી વધુ કળનું કામ છે. અંતે ભેદ કપરા વહેણમાં તરવાનો પડકાર ઝીલીને બે બ્રિટીશ તૈરાક કાલે ચાર બાળકોને હેમખેમ બહાર લઇ આવ્યા છે. પોતાની ઓક્સિજન ટેંક ઉપરાંત બાળક માટે ઓક્સિજન ટેંક ઊંચકી અંદર જવાનું તરતાં તરતાં. વળતા તરવાનું આવડતું જ નથી એવા બાળકને ઓક્સિજન ટેંક સહિત ઊંચકીને સાડા ત્રણ કિમી તરવાનું. ઓક્સિજનની કમીમાં જ્ઞાનતંતુઓ બહેર મરી જાય. ફરતે અંધકાર હોય ને વચ્ચે તો પેસેજ એટલો સંકડો છે કે માંડ એક વ્યક્તિ સરકી શકે, એમાં બે ટેંક અને એક બાળક સહીત આબાદ તારી નીકળવાનું !
વરસાદ ચાલુ હોઈને વધુ પાણી ભરાય પહેલા આ મિશન થોડું જોખમ લઇ પતાવી દેવાનો કપરો નિર્ણય હિંમત રાખીને આર યા પાર મોડમાં સત્તાધીશોએ લીધો છે. કદાચ કાલ સુધીમાં બધા હેમખેમ બહાર આવી પણ જાય. ‘ફિફા’ વર્લ્ડ કપવાળાઓ જો એમની તબિયત સારી હોય તો શાહી મહેમાન તરીકે ફિફાનો ફાઈનલ જોવા રશિયા આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું છે. જગતની ઘણી સેલિબ્રિટીઝે બાળકોનો જુસ્સો ટકાવી રાખવા વિડીયો મેસેજીઝ મોકલ્યા છે. આમ ભલે જગત અંદરોઅંદર બાખડતું , પણ વર્લ્ડ ઈઝ વન ફોર ધિસ સેવિંગ મિશન.
આ અનુભવ કેવો હોય એ ફિલ્મી પડદે જોવો હોય તો ૨૦૧૬ની કોરિયન ફિલ્મ ‘ટનલ’ ખાસ જોજો. એમાં રેસ્ક્યુ ઓપરેશન પણ આબાદ બતાવ્યું છે અને અંદરની મથામણ પણ. એમ તો આવો જ પ્લોટ ‘આજ કે અંગારે’ નામની ફિલ્મમાં આપણે ત્યાં ટારઝનવાળા બી. સુભાષનો ય હતો. પણ એમાં તો વળી ટીચર અર્ચના પુરણસિંહ ટૂંકી ચડ્ડી પહેરી સોંગ્સ ગાતી હોય એવા બધા ફારસ હતા. પણ ટનલ ઈઝ મસ્ટ વોચ. ઓલ્સો સ્ટેલોનની ડેલાઈટ.
આ આખો ઘટનાક્રમ એ ય પુરવાર કરે છે કે, માણસ આજે ય ગગનગામી બનીને ભલે ચંદ્રથી મંગળ પહોંચવા આવ્યો – પણ વિરાટ કુદરતની કરામત સામે એ હજુ વામન જ છે. જો કે, એ પણ સિદ્ધ કરે છે કે, આ વાસ્તવિકતા છતાં ય માણસ પાસે જન્મજાત ફાઈટિંગ સ્પિરિટ છે. સર્વાઈવલ ઇન્સ્ટીન્કટ છે. વળી એકબીજાની વહારે આવવાની ફીલિંગ્સ છે. અને એટલે પૃથ્વી ગ્રહ પર એ રાજ કરી રહ્યો છે. આ યુદ્ધ સનાતન છે. અને એમાં માણસ પાસે બે અદ્રશ્ય ભુજાઓ છે : ફેઈથ એન્ડ હોપ. શ્રદ્ધા અને આશા. એક બાજુ દિલ્હીમાં અગિયાર લોકો તાંત્રિક વિધિઓમાં જીવ કાઢી દે અને બીજી બાજુ રાજસ્થાનમાં એક બાપ રમઝાનમાં કુરબાની માટે નાનકડી દીકરીનું ગળું વાઢી નાખે એવી દોરાધાગા પર આધારિત રહેવાની દુર્બળતા અને બીજી બાજુ બ્રેઇન, કરેજ અને સાયન્સના જોરે ‘તુમ રક્ષક કાહુ કો ડરના’ની કોઈ અંધશ્રદ્ધાળુ એજન્ટો નહી, પણ માત્ર પરમ ચૈતન્યની આસ્થાના જોરે થતું પડકાર સામે પરાક્રમ !
લેટ્સ પ્રે એન્ડ હોપ ફોર ધ બેસ્ટ ફોર ઓનગોઇંગ મિશન .
~ જય વસાવડા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







