જુનાગઢ,તા.૪
માંગરોળ તાલુકાનાં શીલ ગામે નેત્રાવણી નદીના પુલ નીચેથી ગઇકાલે અજય ભીખાલાલ ભરડાની લાશ મળી આવી હતી. આ બનાવમાં મૃતકની મુંબઇનાં ભાંડુપમાં રહેતી માતા રાણીબેન ભીખાલાલ ભરડા (ઉ. ૬૬) એ શીલનાં ભૂપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા સામે પોતાનાં પુત્રની હત્યા કરવા અંગે શીલ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં એવો આક્ષેપ કરાયો છે કે, ભૂપતને અજયની પત્ની સેજલ સાથે અનૈતિક સંબંધ હતો. ભૂપેન્દ્રને અજયે પોતાને ઘેર આવવાની ના પાડી હોવા છત્તાં તે મુંબઇમાં અજયને ઘેર જઇ ચઢતો.
દરમ્યાન ગત તા. ૨૪ મે ૨૦૧૯ નાં રોજ ભૂપેન્દ્ર સેજલને મુંબઇથી ભગાડીને શીલ લાવ્યો હતો અને પોતાના ઘરમાં સાથે રહેવા લાગ્યા હતા. અજય સેજલને સમજાવી પાછી લઇ જવા શીલ આવ્યો હતો. દરમ્યાન તા. ૧ જુન ૨૦૧૯ ની રાત્રે ૯ વાગ્યાના અરસામાં અજય અને ભૂપેન્દ્ર વચ્ચે સેજલનાં મામલે બોલાચાલી થઇ હતી. બાદમાં ભૂપેન્દ્રએ અજયને દારૂમાં ઝેર પીવડાવી તેની હત્યા કરી નાંખી હતી અને તેની લાશને ખાડીમાં નાંખી દીધી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ પીએસઆઇ પી. એસ. ઝાલા ચલાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



