જુનાગઢ,તા.૨
ગુજરાતના તીર્થયાત્રીઓની બસને ઝારખંડમાં નડેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ બસ ઓડિશાના જગન્નાથ પુરીથી ઉત્તર પ્રદેશના વારાણસી જઈ રહી હતી. અકસ્માતમાં ૧૨થી વધારે જાત્રાળું ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝારખંડના ચૌકા થાણા વિસ્તારના ખૂંટી ગામ પાસે ચૌકા-કાંડ્રા રોડ પર સોમવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે તીર્થયાત્રીઓની બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. અકસ્માતમાં જૂનાગઢના રીટાબેન નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં બે ડઝન જેટલા ગુજરાતી તીર્થયાત્રીઓ ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાની સાથે જ જમશેદપુર ગુજરાતી સમાજના લોકો હોસ્પિટટલ ખાતે પહોંચી ગયા હતા. આ અંગે જાણકારી આપતા ઘાયલ હાર્દિક અને સ્નેહ કુમારે જણાવ્યું કે, તમામ તીર્થયાત્રીઓ જૂનાગઢ જિલ્લાના મોઆના ગામના નિવાસી છે. આ તમામ લોકો એક ખાનગી બસ દ્વારા ૨૪મી ફેબ્રુઆરીના રોજ જાત્રા પર નીકળ્યા હતા. સોમવારે તેઓ જગન્નાથી પુરીથી વારાણસી જઈ રહ્યા હતા. બસ જેવી ચૌકા થાણાના ખૂંટી ગામ નજીક પહોંચી કે બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



