મોરબીમાં ઇવીએમ પડતાં મતદાન ખોરવાયું, અમરેલી, કચ્છ, જૂનાગઢના ગામોમાં મતદાન બહિષ્કાર
જુનાગઢ-મોરબી,તા.૨૩
સૌરાષ્ટ્રમાં ઉત્સાહપૂર્ણ મતદાન વચ્ચે ક્યાંક ક્યાંક ડખા કે ભૂલોની ફરિયાદો પણ સામે આવી. જૂનાગઢમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી. જૂનાગઢના વોર્ડ ૨૦માં બૂથ કેપ્ચરિંગની રાવ ઉઠવા પામી. આ મામલે જૂનાગઢ કોંગ્રેસના પૂર્વ મેયર લાખા પરમાર સામે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પણ મળવા પામી.
આ અંગે ભાજપ દ્વારા ચૂંટણી તંત્રને લેખિત ફરિયાદ કરાઈ કે, જૂનાગઢ કોંગ્રેસના કોર્પોરેટર તથા પૂર્વ મેયર લાખાભાઈ પરમારે સ્થાનિક પોલીસની મદદ લઈને ભાજપના બે કાર્યકરને ધાકધમકી આપી બૂથ બહાર કાઢી મૂક્યા હતા. ભાજપને બંને કાર્યકરોને પરમારે પોલિંગ એજન્ટના હકથી વંચિત રાખ્યા અને બૂથ કેપ્ચર કર્યું હતું. ભાજપે લાખા પરમારની ધરપકડ કરવાની માગણી પણ કરી હતી.
મોરબી પટેલ કન્યા છાત્રાલયના બુથ નંબર ૨૪૪માં મતદાનની પ્રક્રિયા ખોરવાઈ હતી. અહીં મતદાન વખતે મતદારનો પગ ટેબલ સાથે અથડાતા ઇવીએમ અને વીવીપેટ નીચે પડ્યા હતા. આથી
વીવીપેટ મશીનમાં એરર આવી જતાં વીવીપેટને બદલવામાં આવ્યું હતું. ૨૩ મત પડ્યા પછી ટેકનિકલ રીતે ફોલ્ટ આવી જતા મતદાનની પ્રક્રિયા રોકાઈ જવા પામી હતી.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નેસડી ગામવાસીઓએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની માગણી કરી હતી. જો કે તંત્રની તેમજ સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યાની પ્રાથમિક માહિતી મળી છે.
કચ્છનાં રાપર તાલુકાના નાદા ગામમાં ખાલી એક જ મતદાન કરવામાં આવ્યું. પાણીની સમસ્યાનાં લીધે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જાફરાબાદનાં લાલપુર ગામમાં માત્ર બે વોટ પડ્યા હતા. ગ્રામવાસીઓએ પાણી અને રોડ રસ્તા સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
જૂનાગઢ લોકસભા બેઠકના ભેંસાણના ખાખરા ગામમાં પણ મતદાનનો બહિષ્કાર થયાનું જાણવા મળ્યું છે. લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી મતદાન ના કરી રોષ વ્યક્ત કર્યાનું જાણવા મળ્યું છે.
ડાંગના દાવડહાડ ગામમાં વર્ષોથી પૂલની માંગણીને લઈને ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રો પર એક પણ મતદાર ફરક્યો જ નહીં. ચૂંટણી બહિષ્કાર અંગે ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિતમાં જિલ્લા કલેક્ટરને જાણ કરાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



