કંધમાલ,તા.૧૮
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગુરુવારે ૯૫ બેઠક મતદાનનો પ્રારંભ થયો હતો. પરંતુ ઓડિશાના કંધમાલ વિસ્તારમાં મતદાનના એક દિવસ પહેલા જ માઓવાદીએ એક મહિલા ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. ત્યાં જ અન્ય ઘટનામાં માઓવાદીઓએ બે ચૂંટણી વાહનો અને એક મોટર સાઇકલમાં આગ ચાંપી દીધી હતી. આ હુમલાઓ કરીને માઓવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાની નાગરિકોને ધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી અધિકારીઓની એક ટીમ મતદાન કેન્દ્રની મુલાકાત કરવા જઇ રહી હતી ત્યારે માઓવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસ કમિશનર બી.કે. શર્માના જણાવ્યા મુજબ, સેક્ટર અધિકારી સંજુક્તા દિગલ બલાંદપદા ગામની પાસેના જંગલની નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ તેમની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. જાકે ચાર અન્ય ચૂંટણીકર્મી જે વાહનમાં હતા તેઓ સુરક્ષિત છે.
મહિલા ચૂંટણી અધિકારીની હત્યા બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માઓવાદી હુમલાનો શિકાર થયેલા સંજુક્તા દિગલના મૃત્યુના સમાચાર સાંભળતા દુઃખ થયું. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



