શ્રીનગર,તા.૨૯
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં એક ધારાસભ્યની ફરજમાં તહેનાત કરવામાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર સાત જેટલી એકે-૪૭ રાઇફલ લઈને પોલીસ કેમ્પમાંથી ફરાર થઈ ગયો છે. ભાગી ગયેલો એસપીઓ આદીલ બશીર આતંકી જૂથ સાથે જાડાય ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ બાદ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્ય એજાઝ અહેમદ મીરના ઘરે તહેનાત એક ગાર્ડે ફરિયાદ કરી હતી કે તેના સર્વિસ હથિયારો ગુમ થઈ ગયા છે. એટલું જ નહીં એસપીઓ આદીલ બશીર પિસ્ટલ અને સાત રાઇફલ સાથે ગુમ થઈ ગયા છે.
ગાર્ડની ફરિયાદ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જવાહર નગર ખાતે આવેલા ધારાસભ્યના ઘરે પહોંચી ગયા હતા. જવાહર નગર ખાતે મોટાભાગના ધારાસભ્યો અને સરકારી ઉધિકારીઓ રહે છે. આ વિસ્તારને શ્રીનગરનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.
પોલીસનું કહેવું છે કે તેઓ તમામ પોલીસ ગાર્ડને પૂછપરછ માટે કસ્ટડીમાં લેશે. કારણ કે આ બનાવ સુરક્ષા વ્યવસ્થામાં મોટું છીંડું છે. ગુમ થઈ ગયેલા જવાનની ભાળ આપનાર વ્યકિતને બે લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
શ્રીનગરના એસએસપી ઇમ્તિયાઝ ઇસ્માઇલ પેરીએ આ અંગે જણાવ્યું કે, “અમે તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આ ફક્ત એક એસપીઓ હથિયાર સાથે ભાગી ગયાનો કેસ નથી. આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ પણ સંડોવાયેલા હોવાનું અમે માની રહ્યા છીએ. અમે આ જગ્યાએ તહેનાત તમામ કર્મીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



