કોલકાત્તા,તા.૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના ચંદ્રકોણમાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો કાફલો પસાર થઇ રહ્યો હતો આ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ જય શ્રી રામના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાંભળીને મમતા બેનરજી નારાજ થઇ ગયા હતા અને ગાડીમાંથી બહાર આવીને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો પર ક્રોધે ભરાયા હતા. મમાતાએ ભાજપ કાર્યકર્તાઓ પર ગાળ આપવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
મમતાએ જણાવ્યું હતું કે, ભાજપ જાણીજોઇને આવા લોકોને ખોટું વર્તન કરવા મોકલે છે. ભાજપના બંગાળ એકમે પણ આ વીડિયો ટિવટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, દીદી જય શ્રી રામના નારાથી એટલા નાખુશ કેમ છે અને તેઓ આ નારાને ગાળ કેમ બતાવી રહ્યા છે.
વીડિયોમાં હાથમાં ભાજપના ઝંડા લઇને કેટલાક કાર્યકર્તા જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મમતા બેનરજીને કારમાંથી બહાર આવતા જાઇને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો ત્યાંથી ભાગી જાય છે. તેમને ભાગતા જોઇને મમતા બેનરજી તેમને પડકારતા કહે છે કે શા માટે ભાગો છો, હવે સૂત્રોચ્ચાર કરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




