સુરતઃ
તાજેતરમાં જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સીટી અને શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉધોગ મંડળી લી., સાયણની સંયુક્ત ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના દેલાડ, અછારણ, મોરથાણ ગામ ખાતે શેરડીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવ બાબતે ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. આ ગામોમાં તથા આજુબાજુના વિસ્તારોના ખેતરોમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે.
શેરડીના પાકમાં સફેદ માખી ટોચના પાન ઉપર હારબંધ મલાઈ રંગના ઈંડા મૂકે છે. જે થોડા સમયબાદ ભૂખરા રંગના બને છે. બચ્ચાં કાળા, લંબગોળાકાર, ચપટા અને ફરતે સફેદ રંગની મીણની ઝાલરવાળા હોય છે. ઈંડામાંથી નીકળેલ બચ્ચાં પાન પર એક જગ્યાએ ચોંટી રસ ચૂસે છે જેને લીધે પાન પીળા પડે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતાં તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જેના લીધે પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે.
જેથી ખેડૂત મિત્રોએ થોડી કાળજી લઈને શેરડી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાઓ લેવા નવસારી કૃષિ યુનિવર્સીટીના કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. શેરડી પાકમાં પિયત સમયસર આપવું. જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા કરવી. નાઈટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતરોનો ભલામણ મુજબ સપ્રમાણસર ઉપયોગ કરવો. અટકાયતી પગલાં તરીકે લીંબોળીનું તેલ ૧ લીટર + ૧૬૦ ગ્રામ ડીટરજન્ટ પાઉડર મિશ્ર કરી છંટકાવ કરવો. ઉપદ્રવિત ખેતરમાં ૨% યુરિયાના દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ) છંટકાવ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે ટ્રાયેઝોફોસ ૪૦% ઈસી ૧૨ મીલી અથવા એસીફેટ ૭૫% એસપી ૧૨ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મીલી પૈકી કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો અને અઠવાડીયા પછી બીજો છંટકાવ કરવો, વધુ છટંકાવની જરૂર જણાયે દવાની ફેરબદલી કરવી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"