માંગરોળ,તા.૧૩
ગુજરાત રાજ્યના દરિયા કાંઠે ત્રાટકનાર વાયુ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા હજુ પણ ભારે વરસાદ અને પવનની ફૂંકાવાની ભીતિએ ઠેર ઠેર રેસ્ક્યૂ આૅપરેશન હાથ ધરાયા છે. જાનમાલ સાથે વન્ય જીવોની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન વનવિભાગે દરિયાકાંઠે વિહરાતા એક વનરાજને રેસ્ક્યૂ કરી અને સલામત સ્થળે ખસેડ્યો છે.
ચિફ કન્ઝર્વેટર આૅફ ફોરેસ્ટ જૂનાગઢના તાબા હેઠળ આવતા માંગરોળના દરિયા કાંઠે વિહરી રહેલા એક સિંહનું રેસ્ક્યૂ આૅપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહને પાંજરામા પુરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યના પોરબંદર, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવના દરિયા કાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.
વાયુ વાવાઝોડાના પગલે કચ્છમાં વધુ એક એનડીઆરએફ ટીમ ફાળવવામાં આવી છે. માંડવી દરિયા કાંઠે અસર થવાની શકયતાના પગલે આયોજન કરવામાં આવ્યું છે. માંડવી બંદર પર એનડીઆરએફ ટીમ તહેનાત કરાઈ છે. કચ્છ જિલ્લામાં ત્રણ એનડીઆરએફ ટીમ તહેનાત કરી છે. આ ત્રણે ટીમ ગાંધીધામ નલિયા બાદ માંડવી માં રહેશે. જ્યારે કંડલા બંદર ખાતે અગાઉથી એક ટીમ તહેનાત છે.
દરમિયાન નવસારીના બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી ગામમાં પ્રવેશ્યા હતા. વાયુની અસરના પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાના કારણે પ્રોટેકશન વાલ પરથી ઉછળી અને ગામમાં પ્રવેશ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




