મોરબી,તા.૨૭
શનિવારે વહેલી સવારે મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલા આશુતોષ સિરામીક નામના કારખાના બહાર એક મજૂરની સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મોરબી પોલીસને મળી હતી. કારખાનાના ભાગીદાર જયોતિસિંહ જાડેજાએ પોલીસને ફોનથી આ અંગે જાણ કરી હતી.
આથી મોરબી તાલુકા પોલીસ એલ.સી.બી. પી.એસ.આઈ. આર.ટી. વ્યાસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં આ લાશ આશુતોષ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાના મજૂર કવાર્ટરમાં જ રહેતા યશવંત (મૂળ એમ.પી.)ની હોવાનું ખુલ્યું હતું. તે આ કારખાનામાં ૭-૮ દિવસ પહેલાં જ કામે રહ્યો હતો.
પોલીસને જાણવા મળ્યા મુજબ, યશવંતનો જ પિતરાઈ ભાઇ પપ્પુ પણ આ જ કારખાનામાં કામ કરતો હતો અને રહેતો હતો. યશવંતની પત્નીને હત્યારા પપ્પુ સાથે પ્રેમસંબંધ હતો. કોઈપણ રીતે યશવંતને જાણ થઈ જતાં બંન્ને વચ્ચે ગત રાત્રીના ડખ્ખો થયો હતો. બાદમાં હત્યારા પપ્પુએ યશવંતની હત્યા કરી તેની લાશને સળગાવી મુકી હતી. એ પછી તે મૃતકની પત્નીને લઈ નાસી છુટયો હતો. રાત્રીના ૧૧-૧૨ વાગ્યાના આ હત્યાના બનાવ બાદ જયારે કોઇએ સવારે મજૂરની સળગી ગયેલી લાશ જાઇ, કારખાનાના ભાગીદારને ફોન દ્વારા જાણ કરી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




