મુંબઇ,તા.૯
શેઠ કરતાં વાણોતર સવાયો છે આ કહેવત અમથી નથી પડી. રાજ્યના મુખ્ય પ્રધાન અને તેની ટીમ કરતાં સરકારી બાબુની ટીમનો ખર્ચ આઠ ગણો વધારે હોવાની માહિતી બહાર આવી છે. ધાર્યા મુજબ જ વિપક્ષે બાબુ પર તવાઈ લાવી તપાસની માગણી કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેની ટીમ હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા જેનો ખર્ચો ૯૦ લાખ રૂપિયા થયો હતો, બીજી બાજુ વેપાર ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સતીશ ગવઈની ટીમનો વિદેશ યાત્રાનો ખર્ચ ૭.૬૩ કરોડ રૂપિયા થયો હતો. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે આ સમગ્ર ઘટનામાં ગોટાળો હોવાનો આક્ષેપ કરી તપાસની માગણી કરી છે. અન્યથા તેઓ આ મામલે લોકપાલના દરવાજા ખટખટાવશે તેવી ચીમકી આપી છે.
નવાબ મલિકે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વિશ્ર્વ આર્થિક મંચમાં ભાગ લેવા માટે સતીશ ગવઈ અને તેની ટીમ ગઈ હતી જેનો ખર્ચ ૭.૬૩ કરોડ રૂપિયા થયો છે અને એમઆઈડીસી દ્વારા અમેરિકન કંપનીને તેનું ચૂકવણું પણ થઇ ગયું છે. આ પહેલાં ૨૦૧૫માં મુખ્ય પ્રધાન આ જ કાર્યક્રમમાં ગયા હતા જેનો ખર્ચ ૮૯ લાખ રૂપિયા થયો હતો, જ્યારે ૨૦૧૮માં ૧.૯૩ કરોડ રૂપિયાનો ખર્ચ આવી જ મુસાફરી દરમિયાન થયો હતો. તો આ વર્ષે સતીશ ગવઇ અને તેની ટીમનો ખર્ચ ૭.૬૩ કરોડ રૂપિયા કઈ રીતે થયો તેવો પ્રશ્ર્ન મલિકે ઉપસ્થિત કરી તપાસની માગણી કરી છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક ટ્રાવેલ્સ કંપનીઓ હોવા છતાં અમેરિકન કંપનીની સેવા લેવાઈ જેમાં ભાડાંની કારનું ભાડું ૬૨ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



