નિફ્ટી ૧૫૮ અંક માઇનસ,રિલાયન્સના શેરમાં ૩%, યસ બેન્કમાં ૭% નુકસાન
મુંબઇ,તા.૨૨
ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલી વૃદ્ધિએ ભારતીય શેરબજારની તેજી પર આજે બ્રેક મારી હતી. સાર્વત્રિક વેચવાલીથી સોમવારે સેન્સેક્સ ૪૯૫ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવ વધારાથી આયાત બિલ વધવાની આશંકાથી રૂપિયા પર પણ દબાણ જોવા મળ્યું હતું. ડોલર સામે રૂપિયો ૦.૭૫ ટકા ઘટીને ૬૯.૮૮ થયો હતો. ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૫થી ૮૦ ડોલર સુધી વધવાની આશંકા સેવાઈ રહી છે.
આજે ઓઈલ-ગેસ, બેન્ક, રિયલ્ટી અને ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જાવા મળી હતી. બેન્ક શેરોમાં આજે માર્ચ પછીનો સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો હતો. બજાર હાલમાં ઊંચા મથાળે હોવાથી પણ તેમાં કરેક્શન જાવા મળ્યું હતું.
આજે દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૩૯,૧૫૮.૨૨ અને નીચામાં ૩૮,૫૮૫.૬૫ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૪૯૫.૧૦ પોઈન્ટ્સ (૧.૨૬ ટકા)ઘટીને ૩૮,૬૪૫.૧૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઉપરમાં ૧૧,૭૨૭.૦૫ અને નીચામાં ૧૧,૫૮૩.૯૫ પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૮.૩૫ પોઈન્ટ્સના કડાકા સાથે ૧૧,૫૯૪.૪૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૫૩ ટકા અને ૧.૪૪ ટકા ઘટીને બંધ રહ્યા હતા. અમેરિકાએ ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ થશે તેવી જાહેરાત કરતાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૩ ટકાનો વધારો થયો હતો. ભારત અને ચીન ઈરાનના ક્રૂડના સૌથી મોટા ગ્રાહક છે અને તેથી તેમણે આ પ્રતિબંધો સામે વિરોધ કરીને લોબિઈંગ પણ કર્યું હતું. ક્રૂડના ભાવનો વધારો ભારતીય અર્થતંત્ર પર દબાણ સર્જી શકે છે.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક (૬.૬૨ ટકા), ઈન્ડસઈન્ડ બેન્ક (૪.૧૧ ટકા), રિલાયન્સ ઈન્ડ. (૨.૭૬ ટકા), આઇસીઆઇસીઆઇ બેન્ક (૨.૫૪ ટકા), એચડીએફસી (૨.૧૯ ટકા), હિરોમોટો કોર્પ (૨.૦૩ ટકા), એક્સિસ બેન્ક (૧.૯૧ ટકા), મારુતિ (૧.૮૨ ટકા)નો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



