આવો અહંકાર માત્ર મહાભારતમાં જાવા મળ્યો હતો,પરંતુ તેનો પણ પરાભવ થયો છે
મુંબઈ,તા.૧૩
પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આંચકા સમાન છે. ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે અન્ય બે રાજ્યોમાં ભાજપ કંઈ કરી શકી નથી. હવે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં એનડીએની સરકારમાં સાથી પક્ષ શિવસેનાએ ભાજપને કટઘરામાં ઉભું કર્યું છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આને ઘમંડ પર વિનમ્રતાની જીત ગણાવી છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામનાના તંત્રીલેખમાં કોંગ્રેસ અધ્યક્ષની વિનમ્રતાના વખાણ કર્યા છે.
સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ નમ્રતાથી જીતનો સ્વીકાર કર્યો છે અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોનો અભાર વ્યક્ત કરતા ઘોષણા કરી હતી કે નવા મુખ્યપ્રધાનો તેમના પુરોગામીઓના કામને આગળ વધારશે. પરંતુ મોદી તો પંડિત નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના યોગદાનને માનવા માટે તૈયાર નથી. ભાજપની સ્થાપનામાં યોગદાન ધરાવતા અડવાણી પણ તેમને મંજૂર નથી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ છે કે આવો અહંકાર માત્ર મહાભારતમાં જાવા મળ્યો હતો. પરંતુ તેનો પણ પરાભવ થયો છે.
રાહુલ ગાંધીએ નમ્રતા સાથે કહ્યું હતુ કે તેઓ ભાજપને ૨૦૧૯માં પણ હરાવશે. પરંતુ ભાજપમુક્ત ભારતનું સૂત્ર નહીં આપે. આટલા તોફાનમાં પણ ગાંધી કેમ ટક્યા અને આટલા ઘા સહન કરીને લોકશાહી કેમ નષ્ટ થઈ નહીં? તેનો જવાબ પણ વિનમ્રતા છે. શિવસેનાએ કહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર આપીને તેમનું ગળું સુકાઈ ગયું છે અને જે લોકો કોંગ્રેસને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા થાકતા ન હતા. તેઓ તમામ અચાનક ગુંગા-બહેરા બની ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



