‘આર્ટિકલ-૧૫’નો ફર્સ્ટ લૂક રિલિઝ થયો
મુંબઈ,તા.૬
મુલ્ક ફેમ ફિલ્મ સર્જક અનુભવ સિંહાની આગામી ફિલ્મ આર્ટિકલ ૧૫નો ફર્સ્ટ લૂક બુધવારે છઠ્ઠી માર્ચે સવારે રિલિઝ થયો હોવાનું જાણવા મળ્યું હતું. અત્યાર અગાઉ બિનપરંપરાગત રોલ્સ કરનારો અભિનેતા આયુષમાન ખુરાના આ ફિલ્મમાં પહેલીવાર પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યો છે.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરી હતી અને પોલીસ જિપ પાસે યુનિફોર્મમાં સજ્જ તેમજ એક ફાઇલ લઇને ઊભેલા આયુષમાનનો ફોટોગ્રાફ પણ શૅર કર્યો હતો. આ ફિલ્મમાં આયુષમાનની સાથે ઇશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મુહમ્મદ ઝીશન અય્યુબ ચમકી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરીલાઇનનો અણસાર હજુ મિડિયાને મળ્યો નથી.
ખુદ આયુષમાન છેલ્લા થોડા દિવસથી આ ફિલ્મના પોતાના ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી રહ્યો છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. ‘આર્ટિકલ-૧૫’ બંધારણની એવી કલમ છે જેમાં ધર્મ, કોમ, ભાષા કે અન્ય કોઇ કારણે દેશના કોઇ નાગરિક સાથે ભેદભાવ નહીં રખાય એવી ખાતરી અપાઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




