નાગપુર,તા.૫
લોકસભા ચૂંટણીમાં ‘ચોકીદાર’ શબ્દ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. જાત-જાતામાં આ શબ્દ એટલો ચગ્યો છે કે, સરકાર અને વિપક્ષ બંને પોત-પોતાની રીતે આ શબ્દનો ઉપયોગ કરે છે. એક સભાને સંબોધતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર વાક્બાણ છોડ્યા. તેમણે ‘ચોકીદાર ચોર છે’ના નારા લગાવતા કહ્યુ કે, ચૂંટણી પછી ‘ચોરી’ની તપાસ થશે અને ‘ચોકીદાર’ને જેલમાં મોકલવામાં આવશે.
રાહુલ ગાંધી નાગપુરમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, ‘કોઈ મજૂરના ઘરની બહાર ચોકીદાર નથી હોતો, પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજાર ચોકીદાર છે, અને એ પણ ચોરીના પૈસાની ચોકીદાર કરવા માટે.’ તેમણે કહ્યું કે, ‘આ વખતે ચોરે કંઈ નાની-મોટી વસ્તુ નથી ચોરી. હું તમને બધાને કહી દઉં કે, ચૂંટણી પછી આ ચોરીની તપાસ કરાશે અને ચોકીદારને જ જેલભેગા કરવામાં આવશે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે, પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરને રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણકારી હતી. તેમણે એક રેલીમાં આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ વિમાન ખરીદ સોદામાં ફેરફાર કર્યા, જેના કારણે તેના ભાવ વધી ગયા છે. તેમણે કહ્યું કે, ‘રક્ષા મંત્રાલયના દસ્તાવેજ અનુસાર નરેન્દ્ર મોદીએ મૂળ સોદામાં ફેરફાર કરીને એક વિમાન ૧૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




