નાગપુર,તા.૫
ડિફેન્ડિંગ] ચેમ્પિયન વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા રણજી ટ્રોફી ફાઇનલના બીજા દિવસના અંતે સૌરાષ્ટ્ર ૫ વિકેટ ગુમાવી ૧૫૮ રન કર્યા છે. તે વિદર્ભ કરતા ૧૫૪ રન પાછળ છે. સ્નેલ પટેલ ૮૭ રને અણનમ રમી રહ્યો છે. વિદર્ભ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૩૧૨ રનમાં ઓલઆઉટ થયું હતું. સૌરાષ્ટ્ર પોતાના સ્ટાર-બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ૧ રને ગુમાવતા તેમના માટે મેચમાં વાપસી કરવી અઘરી થશે. વિદર્ભ માટે આદિત્ય સરવટે ૪ વિકેટ, અક્ષય વખારે ૨ વિકેટ અને ઉમેશ યાદવે ૧ વિકેટ લીધી હતી.
પહેલા વિદર્ભ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. વિદર્ભે ૨૧ રને સંજય રંગાસ્વામીના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. તે ૨ રને આઉટ થયો હતો. કેપ્ટ્ન ફેઝ ફઝલ ૧૬ રને અને અનુભવી વસીમ જાફર ૨૩ રને આઉટ થતા વિદર્ભને મોટો ઝટકો લાગ્યો હતો. જાકે અક્ષય કર્નેવારે ૭૩ રન અને અક્ષય વાડકરે ૪૫ રન કરી વિદર્ભને ૩૧૨ રનના સ્કોર સુધી પહોચાડ્યું હતું. સૌરાષ્ટ્ર માટે કેપ્ટ્ન જયદેવ ઉનડકટે સૌથી વધુ ૩ વિકેટ, જયારે ચેતન સકરિયા અને કમલેશ મકવાને ૨-૨ વિકેટ લીધી હતી.
૧૯૫૦-૫૧થી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરનાર સૌરાષ્ટ્ર આ મેચ સહિત ૩ વાર ફાઇનલમાં આવ્યું છે. ૨૦૧૨-૧૩ અને ૨૦૧૫-૧૬માં તે રનરઅપ રહ્યું હતું. હવે તેની પાસે પહેલી વાર ચેમ્પિયન બનવાની તક છે. સૌરાષ્ટ્ર સેમિફાઇનલમાં કર્ણાટકને ૫ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ વિદર્ભે કેરળને ૧૧ રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




