સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નાનકડા કેવડીયા ગામની સાથે નર્મદા જિલ્લો વિશ્વના પ્રવાસન નકશામાં અંકીત થયો છે : કલેકટર

0
59

દેડીયાપાડા મુખ્યમથકે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના હસ્તે થયેલું જિલ્લાકક્ષાનું ધ્વજવંદન : દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક એનાયત

નર્મદા જિલ્લામાં આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વની દબદબાપૂર્વક થયેલી ભવ્યાતિભવ્ય ઉજવણી

રાજપીપળા : રાષ્ટ્રના ૭૦ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ નિનામાએ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, હોમગાર્ડઝ, એન.સી.સી. વગેરે જેવી પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. દેડીયાપાડા ખાતે ખીચોખીચ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં નિનામાએ જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું.

જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ વિશાળ સંખ્યામાં ઉમટેલી માનવમેદનીએ સંબોધતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષોએ તેમના જીવનની આપેલી આહુતિ અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે.

નિનામાએ નાગરિકોને એકતા-સમભાવ-સમાનતા અને સદભાવનાની પ્રતિબધ્ધતા સાથે રાષ્ટ્ર ઘડતરમાં શાસનના સહયોગી અને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બની “એક ભારત શ્રેષ્ઠ ભારત” નિર્માણની દિશામાં સંકલ્પબધ્ધ થવાનો ખાસ અનુરોધ કરતા ઉમેર્યુ હતું કે ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે, ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ થકી પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવી મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે પ્રજાના સર્વાંગી કલ્યાણ માટેના પ્રયાસોમાં પરસ્પર સદભાવ માટે પ્રેરક બનીને આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક બનાવવાની દિશાના “ટીમ નર્મદા” ના પ્રયાસોમાં સૌ કોઇને તેમના સહયોગ-યોગદાન માટે તેમણે આહવાન કર્યું હતું.

જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ વધુમા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નાનકડા કેવડીયા ગામ સહિત નર્મદા જિલ્લો વિશ્વના પ્રવાસન નકશામાં અંકીત થઇ ચૂકયો છે, ત્યારે વેલી ઓફ ફલાવર્સ, સાતપુડાની ગીરીમાળા, પ્રાકૃતિક વનસંપદાએ પણ નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ગૌરવ બક્ષ્યુ છે. જિલ્લામાં ગરૂડેશ્વર ખાતે દેશનું પ્રથમ ટ્રાઇબલ મ્યુઝીયમ આકાર લઇ રહયું છે અને આ જિલ્લાએ ટ્રાઇબલ યુનિવર્સીટીની ભેટ ધરી છે. ચાણોદથી કેવડીયા રેલ્વે લાઇનનું કામ પણ શરૂ થઇ ચૂકયું છે. ત્યારે આ તમામ પ્રોજેકટથી જિલ્લામાં રોજગારીની વિપુલ તકોના નિર્માણ સાથે વિશાલ ખાડી, ઝરવાણી ધોધ, નિનાઇ ધોધ, સગાઇ, કોકમ, ઐતિહાસિક ડુમખલ મહેલ, માલસામોટ વગેરેને સાંકળી લેતી ઇકો ટુરીઝમ સર્કિટના વિકાસ અને દેવમોગરા, હરસિધ્ધિ માતા મંદિર, ભાદરવા ભાથીજી મંદિર જેવા યાત્રાધોમોના થઇ રહેલા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસને લીધે પ્રવાસન વિકાસને પણ વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા કલેકટર નિનામાએ જિલ્લાના ડુંગરાળ વિસ્તાર કે જયાં પાઇપ લાઇન કે અન્ય રીતે પાણી અને સિંચાઇ માટેની સુવિધા પુરી પાડી શકાય તેમ નથી તેવા વિસ્તારમાં ઉનાળામાં પણ પુરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે જિલ્લામાં હાથ ધરાયેલા જળસંધાન પ્રોજેકટ હેઠળ દેડીયાપાડા, સાગબારા, નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકામાં આજદિન સુધી રૂા. ૨ કરોડના ખર્ચે ૩૦ જેટલા મોટા કદના તળાવો તૈયાર કરાયા છે. હજી પણ નવા ૫૦ જેટલા તળાવો બનાવવામાં આવશે. જેને લીધે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી રિચાર્જને લીધે હેન્ડ પંપ બોર કુવા વગરેમાં પાણીના તળ ઉંચા આવશે અને પીવાના પાણીની સુવિધા વધશે. જિલ્લા કલેકટર નિનામાએ વધુમાં ઉમેર્યુ હતું કે, નર્મદા જિલ્લામાં વિકાસની સંભાવનાઓને લક્ષમાં લઇને કેન્દ્ર સરકારે આ જિલ્લાની આકાંક્ષી જિલ્લા તરીકે કરેલી ધોષણા અન્વયે આરોગ્ય-પોષણ-શિક્ષણ-કૃષિ-બાગાયત-પશુપાલન-કૌશલ્ય વર્ધન- ફાઇનાન્સીયલ ઇન્કલુઝન અને માળાખાકીય સુવિધા શ્રેત્રે ખુબજ ઝડપથી આગળ વધી રહયો છે. અને સમગ્ર દેશના ૧૦૧ આકાંક્ષી જિલ્લાઓની સરખામણીમાં નર્મદા જિલ્લાએ ૧૭ મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમા સહભાગી થવા બદલ જિલ્લાના યુવાધન અને પ્રજાજનો તરફથી મળેલા સહયોગને તેમણે બિરદાવ્યો હતો.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તરફથી દેશભક્તિના ગીતોની સાથે  પરંપરાગત નૃત્ય વગેરે જેવી ૧૩ જેટલી કૃતિઓ રજૂ થઇ હતી. તદ્ઉપરાંત જુડો-કરાટે અને સ્વરક્ષણ માટેના હેરતભર્યા નિદર્શનોને ઉપસ્થિત વિશાળ મેદનીએ મનભેર માણ્યાં હતાં અને આ તમામ કૃતિઓને ભારે હર્ષોલ્લાસ સાથે વધાવીને ભાગ લેનાર વિદ્યાર્થીઓ – બાળકોને પ્રોત્સાહિત કરાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરીને રૂા. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. તદ્ઉપરાંત નિનામા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ખેલકુદ, સામાજીક વનીકરણ, વન સંરક્ષણ, આરોગ્ય,શિક્ષણ, બાગાયત, મહેસૂલ-કલેકટરાલય અને  પોલીસ વિભાગમાં નોંધપાત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી કરી બહુમાન કરાયું હતું.

આજના પ્રજાસત્તાકપર્વ પ્રસંગે રજૂ થયેલા ૧૩ જેટલા ટેબ્લોઝમાં  પ્રથમ સ્થાને પ્રાયોજના કચેરી-ટ્રાયબલ સબ પ્લાન, ધ્વિતીય પ્રાથમિક શિક્ષણ અને તૃતિય સ્થાને વન વિભાગ વિજેતા બન્યું હતું. જયારે પરેડમાં ભાગ લેનાર ટુકડીઓ પૈકી પ્રથમ  નર્મદા પોલીસ, દ્વિતીય પોલીસ બેન્ડ અને તૃતિય એનસીસી કેડેટસ વિજેતા બન્યા હતાં. તેવીજ રીે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થયેલી ૧૩ જેટલી કૃતિઓમાં પ્રથમ અલમાવાડી પ્રાથમિક શાળાની બામ્બુ નૃત્ય, દ્વિતીય પાર્થ વિધાલયનું લિરીકલ નૃત્ય અને તૃતિય અલમાવાડીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની નૃત્યની કૃતિ વિજેતા બની હતી. આ તમામ કૃતિઓને જિલ્લા કલેકટર નિનામા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવા ઉપરાંત કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન બદલ દેડીયાપાડાના પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરીને પણ ટ્રોફી એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ માટે રૂા.૨૬૭૦૦/- ના રોકડ ઇનામો એનાયત કરી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.

આ પ્રસંગે પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસીંગ વસાવા, જિલ્લાના અગ્રણી અને ગુજરાત પ્રવાસન વિભાગના ડિરેકટર ગજેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, દેડીયાપાડાના પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરી સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિત અન્ય પદાધિકારીઓ, તાલુકા-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY