ન્યૂ દિલ્હી,તા.૧૮
સીઆરપીએફના કાફલા પર પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચેરમેન રાજીવ શુક્લાએ ફરી એકવાર કહ્યું કે, આવી સ્થિતિમા ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝની કોઈ સંભાવના નથી. આ સાથે રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે, આગામી વિશ્વકપ ૨૦૧૯માં પાકિસ્તાન વિરુદ્ધ રમવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ નિર્ણય આગામી દિવસોમાં લેવાશે.
રાજીવ શુક્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, પાકિસ્તાન વિરુદ્ધ રમવા પર અમારૂ સ્ટેન્ડ ચોક્કસ છે કે જ્યાં સુધી સરકાર અમને મંજુરી આપશે નહીં, અમે પાકિસ્તાન વિરુદ્ધ રમીશું નહીં. રમત આ તમામ વસ્તુથી ઉપર હોવી જાઈએ પરંતુ જ્યારે કોઈ આતંકવાદનું સમર્થન કરી રહ્યાં છે તો સ્વાભાવિક છે તેની અસર રમત પર પણ પડી શકે છે.
શુક્લાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું આગામી વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમશે? શુક્લાએ તેનો જવાબ આપતા કહ્યું, આ પ્રશ્નનો જવાબ અમે તમને અત્યારે ન આપી શકીએ. વિશ્વકપ હજુ દૂર છે. અમે જોઈશું શું થાય છે. મહત્વનું છે કે, ૩૦ મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ૧૬ જૂન રવિવારે માનચેસ્ટરમાં રમાવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





