મુંબઈ,તા.૧૮
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ટ્વિટર પર પોતાના ચાહકોને ચેતવ્યા કે કોઈ અજાણી વ્યક્તિએ ફેસબુક પર એના નામનાં નકલી અકાઉન્ટ્સ બનાવ્યાં છે. એટલું જ નહીં, તે માણસ ફિલ્મમાં કામ અપાવવાની લાલચે યુવતીઓના ફોટોગ્રાફ અને અન્ય વિગતો પણ મંગાવી રહ્યો છે. રવિવારે અનુરાગે પોતાના નામે ચાલી રહેલા નકલી ફેસબુક અકાઉન્ટ્સના સ્ક્રીનશોટ્સ પણ ટ્વિટર પર શેર કર્યા હતા. અનુરાગે ચોખવટ કરી કે એ પોતે ફેસબુક પર છે જ નહીં.
એકથી વધુ ટ્વીટ્સ કરીને અનુરાગે માહિતી આપી કે કોઈ વ્યક્તિ અમેરિકા/કેનેડાના નંબર વાપરીને એના નામે યુવતીઓને મેસેજ કરી રહ્યો છે. અનુરાગ લખે છે, ‘પ્લીઝ, એમને રિપ્લાય ન કરશો. એ વ્યક્તિની ફરિયાદ મેં સાયબર સેલને લખાવી દીધી છે. મુસાફરી દરમિયાન પણ હું માત્ર મારો ભારતનો નંબર જ વાપરું છું. પ્લીઝ, આ વ્યક્તિને ફેક તરીકે રિપોર્ટ કરો અને બ્લોક કરો.’
અનુરાગે એ વ્યક્તિના વ્હોટ્સએપ નંબર સાથેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા, જેમાં પણ એ વ્યક્તિ પોતે અનુરાગ કશ્યપ હોવાનો દાવો કરીને લોકો સાથે સંપર્ક કરી રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




