સુપ્રિમે સીબીઆઇને નોટિસ આપી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો
ન્યુ દિલ્હી,તા.૨૫
લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા આવક કરતાં વધુ સંપત્તિના કિસ્સામાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે મુલાયમ અને અખિલેશ સામે અરજી પર સીબીઆઇને નોટિસ આપી બે અઠવાડીયામાં જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર આ નોટિસ મોકલી છે.
આ મામલે આગામી સુનાવણી ૨ અઠવાડીયા બાદ કરવામાં આવશે. હકિકતમાં, આ અરજીમાં સીબીઆઇએ કોર્ટમાં તેમની તપાસ રિપોર્ટ દાખલ કરવાની માગ કરી છે. તમને જણાવી દઇએ કે અરજીકર્તાએ ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ, અખિલેશ, તેમની પત્ની ડિમ્પલ યાદવ અને પ્રતીક યાદવની સામે ભ્રષ્ટાચાર અટકાવવાના કાયદા અંતર્ગત કેસ ચલાવવાના આદેશ આપવાની માગ કરી હતી.
આ બધા સામે પોતાની શક્તિનો દૂરપયોગ કરી આવકથી વધારે સંપત્તિ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક માર્ચ ૨૦૦૭ના સીબીઆઇના આરોપોની તપાસ કરવા અને તે જણાવા માટે કહ્યું હતું કે અરજીમાં સપા નેતાઓની સામે આવકથી વધારે સંપત્તિ હોવાનો આરોપ યોગ્ય છે કે નથી. બાદમાં ૨૦૧૨માં કોર્ટે મુલાયમ સિંહ, અખિલેશ અને પ્રતીકની પુનઃવિચાર અરજી નકારી કાઢી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




