ન્યુ દિલ્હી,તા.૨૩
અયોધ્યામાં રામમંદિર બાંધવા માટેનો ખરડો શિયાળુ સત્રના અંતમાં સંસદમાં રજૂ કરવા માટે સરકારે કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. સરકાર આ મામલે પોતાના કાનૂની નિષ્ણાત પ્રધાનો, સાંસદો અને સર્વોચ્ચ ન્યાયાલયના વકીલોની સલાહ લઇ રહી છે.
જા યોજના પ્રમાણે બધુ સમુંસૂતરું જણાયું તો સંસદના ચાલુ શિયાળુ સત્રના અંતમાં રામમંદિરના નિર્માણ માટેનો ખરડો રજૂ કરવામાં આવશે. નામ ન જણાવવાની શરતે ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે તેઓ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જે મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન ન હોય કે ત્યાં ન ગયા હોય એવા મુદ્દાઓ માટે ખરડો પસાર કરવો. આમ કરવાથી સુપ્રીમ કોર્ટનો અનાદર પણ ન થાય અને જનતાને એમ પણ ન લાગે કે સુપ્રીમ કોર્ટની ઉપરવટ જઇને સરકાર ખરડો પસાર કરી રહી છે. આ રીતે સરકાર વચલો રસ્તો શોધી રહી છે.
ભાજપના અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે ખરડો સંસદમાં કઇ રીતે પસાર કરવો એ વિશે પણ વિચારવિમર્શ ચાલી રહ્યો છે.
આ વિશે સમાજવાદી પક્ષના સાંસદ રવિ વર્માએ જણાવ્યું હતું કે સરકાર ઇચ્છે તો કોઇપણ મહત્વપૂર્ણ મુદ્દે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવીને ખરડો પસાર કરાવી શકે છે.
અટલ બિહારી વાજપેયીની સરકારે આ રીતે પોટા ખરડો પસાર કરાવ્યો હતો, પણ ત્યાર બાદ યુપીએ સરકારે એ રદ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



