વિદેશ રાજ્યમંત્રી વિકે સિંહે રાજ્યસભામાં જાણકારી આપી,૨૦૧૫-૧૬માં યાત્રાઓનો ખર્ચ સૌથી વધુ
ન્યુ દિલ્હી,તા.૨૯
૨૦૧૪માં સરકાર બન્યા બાદથી અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાત પર ૨૦૨૧ કરોડ રૂપિયા ખર્ચ થયા. તેમાં ચાર્ટર્ડ ફ્લાઇટના ભાડાંથી લઇને વિમાનોની જાળવણી અને વડાપ્રધાનને મળતી હોટલાઇન સુવિધાનો ખર્ચ પણ સામેલ છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે શુક્રવારે રાજ્યસભામાં આ અંગેની જાણકારી આપી.
વીકે સિંહે એવા ૧૦ દેશો અંગે પણ જણાવ્યું, જ્યાંથી મોદીની મુલાકાત બાદ ભારતને મળતી સીધા વિદેશી રોકાણ (Foreign direct investment-FDI)માં વધારો થયો છે. છેલ્લાં ચાર વર્ષોમાં તે ૨૦૧૪ના ૩૦૯૩ કરોડ ડોલર (૨.૧૬ લાખ કરોડ રૂપિયા)ની સરખામણીએ ૪૩૪૭ કરોડ ડોલર (૩.૦૩ લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગયું છે.
વિદેશ રાજ્યમંત્રી મનમોહન સિંહના બીજાં કાર્યકાળ અને મોદીના સાડા ચાર વર્ષની વિદેશ યાત્રાઓના ખર્ચની જાણકારી આપી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, યુપીએ-૨ના શાસન દરમિયાન તત્કાલિકન વડાપ્રધાન મનમોહન સિંહની વિદેશ યાત્રાઓ પર ૧૩૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
જૂન ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી વિદેશી મુલાકાત માટે વડાપ્રધાનના ચાર્ટર્ડ વિમાનો પર ૪૨૯.૨૫ કરોડ ખર્ચ આવ્યો. હોટલાઇન સુવિધાઓ પર ૯.૧૧ કરોડ રૂપિયા ખર્ચ થયા. જાણકારી અનુસાર, મે, ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ૪૮ વિદેશી યાત્રાઓમાં ૫૫ દેશોની મુલાકાત લીધી. તેમાંથી અનેક દેશોની એકથી વધુ યાત્રાઓ સામેલ છે.
આંકડાઓ અનુસાર, ૨૦૧૪-૧૫માં વિદેશ યાત્રાઓ માટે ચાર્ટર્ડ વિમાનો પર ૯૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ થયા, જ્યારે ૨૦૧૫-૧૬માં ૧૧૭.૮૯ કરોડ રૂપિયા ખર્ચ થયો.
૨૦૧૬-૧૭માં યાત્રાઓ માટે ચાર્ટર્ડ વિમાન પર ૭૬.૨૭ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૯૯.૩૨ કરોડ રૂપિયા રહ્યો. આ વર્ષે ૩ ડિસેમ્બર સુધી વિદેશી યાત્રાઓ માટે વિમાનો પર ૪૨.૦૧ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



