ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરનું અભિન્ન અંગઃ ભારત
ન્યુ દિલ્હી,તા.૧૯
ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશને ખોટાં ઠેરવતા ભારતે સલાહ આપી છે કે, પાડોશી દેશ પોતાની હદમાં રહેવું જાઇએ. તેઓ ગેરકાયદે ભારતના હિસ્સાઓ પર પોતાનો હક્ક ના દર્શાવે. શુક્રવારે પાકિસ્તાનના હાઇ કમિશનરને બોલાવીને ભારતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સંઘીય સરકારને આદેશ આપ્યો હતો કે, તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને મૌલિક માનવાધિકાર સહિત વધુ અધિકાર આપવા માટે એક પખવાડિયામાં નવો કાયદો પસાર કરે. પાક સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને સંવિધાન હેઠળ મૂળભૂત અધિકાર આપતા ગુરૂવારે કહ્યું કે, આ વિસ્તાર પાકિસ્તાનની હદમાં આવે છે.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારના વડપણ હેઠળની સાત જજાની બેન્ચે બંધારણીય મુદ્દાઓ અને ક્ષેત્રના પાછળના સુધારાઓ વિરૂદ્ધ દાખલ અનેક અરજી પર ગુરૂવારે આ આદેશ જાહેર કર્યો હતો. બેન્ચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનું ન્યાયક્ષેત્ર અને શક્તિઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના આતંરિક મુદ્દાઓના ઉકેલ માટે કોઇ બંધારણીય શક્તિ નથી. પરંતુ ક્ષેત્રના લોકો પોતાની કોર્ટના ચુકાદાને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારતે કહ્યું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરનું અભિન્ન અંગ છે. ઉચ્ચાયુક્તના માધ્યમથી ભારતે પાકને સલાહ આપી છે કે, ગેરકાયદે રીતે જે વિસ્તારો પર કબજા કર્યો છે, તેને તાત્કાલિક ખાલી કરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




