જ્યોર્જ ફર્નાન્ડિસ ૯ વાર સાંસદ રહ્યા, પોખરણ પરીક્ષણ દરમિયાન અટલજીના કમાન્ડર હતા
ન્યુ દિલ્હી,તા.૨૯
સમતા પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું ૮૮ વર્ષે નિધન થયું છે. તેઓને કેટલાંક દિવસથી સ્વાઈન ફ્લુ હતો. આ ઉપરાંત તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર પણ હતા. તેઓ અલ્ઝાઈમર્સથી પીડિત હતા. તેથી તેઓને કંઈ યાદ રહેતું ન હતું પરિણામે તેઓ સાર્વજનિક જીવનથી દૂર હતા. જ્યોર્જ ફર્નાન્ડિસે રાજધાની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.
પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક યોગદાન રહ્યું છે, તે પછી રક્ષા ક્ષેત્રે ઉઠાવેલાં મોટાં નિર્ણયો હોય કે ઈમરજન્સી દરમિયાન ઉઠાવેલાં મુદ્દાઓ. જ્યોર્જ ફર્નાન્ડિસ હંમેશાથી આગળ રહીને જ નેતૃત્વ કર્યું છે. પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ ૧૯૭૪માં ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા ત્યારે તેઓઓ ઐતિહાસિક રેલવે સ્ટ્રાઈક કરી હતી જેને સરકારની ઘણી જ મુશ્કેલી વધારી હતી.
વડાપ્રધાન મોદીએ જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કરી લખ્યું કે, “જ્યોર્જ સાહેબ ભારતના બેસ્ટ રાજનીતિક લીડરશિપની આગેવાની કરી, તેમનું યોગદાન ઘણું જ મહત્વનું રહ્યું છે.” વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
૩ જૂન, ૧૯૩૦નાં રોજ મેંગ્લોરમાં જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડિસ ૯ વખત લોકસભા સાંસદ રહ્યાં. પોતાના સંસદીય જીવનમાં તેઓ સંસદની અનેક કમિટીઓમાં પણ મેમ્બર રહ્યાં તેમજ સરકારના અનેક પદો પર આરૂઢ રહ્યાં. જ્યોર્જ ભારતીય વેપાર સંગઠનના નેતા તેમજ પત્રકાર પણ રહ્યાં છે. ફર્નાન્ડિસ ૧૯૬૭માં દક્ષિણ બોમ્બેથી કોંગ્રેસના એસેક પાટિલને હરાવીને પહેલી વખત સાંસદ બન્યાં. ૧૯૭૫ની ઈમરજન્સી પછી ફર્નાન્ડિસ બિહારની મુઝ્ફ્ફરપુર સીટથી જીતી સંસદ પહોંચ્યા હતા. મોરારજી સરકારમાં ઉદ્યોગ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેઓને વીપી સિંહ સરકારમાં રેલ મંત્રીનું પદ સોંપાયું હતું.
તેમણે ૧૯૭૫માં ઈન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. માનવામાં આવે છે કે, ઈમરજન્સીની જાહેરાત પછી જ્યોર્જ ફર્નાન્ડિસે ડાયનામાઈટ લગાવીને દેશમાં વિસ્ફોટ કરવાની જાહેરાત કરી હતી. દેશમાં હિંસાને પ્રોત્સાહન આપવાના આરોપમાં જ્યોર્જ અને તેમના સાથીઓની ૧૯૭૬માં ધરપકડ કરી લેવામાં આવી હતી. અને સીબીઆઈએ જ્યોર્જ સહિત તેમના ૨૫ સાથીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ સમયે વિસ્ફોટક સામગ્રી ગુજરાતના બરોડામાંથી લાવવામાં આવી હતી. તેથી આ કાંડને બરોડા ડાયનામાઈટ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં એનડીએની સરકાર બની ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધ વખતે તેઓ રક્ષા મંત્રી હતા. આ ઉપરાંત તેઓએ એનડીએના સંયોજક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયગાળા દરમિયાન એનડીએમાં જો કોઈ નારાજ થતું તો તેને મનાવવાની જવાબદારી જ્યોર્જ ફર્નાન્ડિસની રહેતી અને તેઓ સફળતાથી લોકોની નારાજગી પણ દૂર કરતા હતા. કાલાંતરમાં જનતા પાર્ટી તૂટ્યા પછી જ્યોર્જ ફર્નાન્ડિસે સમતા પાર્ટીનું ગઠન કર્યું અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું હતું. તેમના રાજકીય જીવનમાં જ્યોર્જે ઉદ્યોગ, રક્ષા અને રેલ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. રેલમંત્રી તરીકે કોંકણ રેલવેનો વિકાસ અને વિસ્તારમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
૧૯૬૭થી ૨૦૦૪ સુધી ૯ વખત લોકસભા ચૂંટણી જીત્યાં. ઈમરજન્સીમાં શીખની વેશભૂષામાં ફરતાં હતા અને ધરપકડથી બચવા પોતાને લેખક ખુશવંત સિંહ ગણાવતા હતા. ૨૦૦૩માં વિપક્ષે કેગના અહેવાલના આધારે જ્યોર્જ પર તાબૂત કૌભાંડનો આરોપ લગાવ્યો. જ્યોર્જે પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો વિપક્ષ ઈમાનદાર છે તો કાલ સુધીમાં મારી સમક્ષ પુરાવા રજૂ કરો. હું રાજીનામું આપવા માટે તૈયાર છું.” ઓક્ટોબર ૨૦૧૫નાં રોજ સુપ્રીમ કોર્ટે ફર્નાન્ડિસને કારગિલ તાબૂત કૌંભાડમાં પૂરી રીતે નિર્દોષ જાહેર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




