AIADMK, પંજાબ કોંગ્રેસની ઓફર, રૂ. ૨૫,૦૦૦ આપો અને લોકસભા ટિકિટ મેળવો

0
2

રાજકીય પક્ષોએ નેતાઓને ઉમેદવારી ફોર્મ સાથે રકમ જમા કરાવવા જણાવ્યું
ન્યુ દિલ્હી,તા.૩૦
પંજાબ કોંગ્રેસની જેમ હવે દક્ષિણના ઓલ ઈન્ડિયા અન્ના દ્રમુક મુનેત્ર કઝગમ (AIADMK)એ પણ લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતા પક્ષના નેતાઓને એક ઓફર કરી છે જેમાં રૂ. ૨૫૦૦૦ આપીને લોકસભાની ટિકિટ મેળવવા માટે જણાવ્યું છે. રાજકીય પક્ષોએ નેતાઓને તેમના ઉમેદવારી ફોર્મ સાથે રકમ જમા કરાવવા જણાવ્યું છે.
એઆઈએડીએમકેના ગઢ ગણાતા તમિલનાડુ અને પુડુચેરીમાં લોકસભા ટિકિટ મેળવવા ઈચ્છતા નેતાઓને આ ફી ભરવી પડશે તેમ પક્ષે જણાવ્યું હતું. સમાચાર એજન્સીના મતે એઆઈએડીએમકેએ કરેલી જાહેરાતમાં લોકસભા ચૂંટણી લડવા માંગતા નેતાઓને ૪થી ૧૦ ફેબ્રુઆરી વચ્ચે ફોર્મ ભરીને તેની સાથે નિયત કરેલી ફીની રકમ આપવા જણાવ્યું છે. અગાઉ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ ટિકિટ વાંછુઓને આ પ્રકારની ફી ભરવા એઆઈએડીએમકેએ જણાવ્યું હતું.
દરમિયાન પંજાબ પ્રદેશ કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે દાવેદારોને ૨૫,૦૦૦ ફી ભરવા જણાવ્યું છે. પંજાબમાં લોકસભાની ૧૩ બેઠકો છે જે પૈકી ચાર બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત હોય છે. અનામત બેઠકો માટે ફીની રકમ ૨૦,૦૦૦ રાખવામાં આવી છે.
સામાન્ય ચૂંટણી પહેલા રોકડની અછતનો સામનો કરી રહેલા પ્રદેશ એકમને ફંડ મેળવવામાં સરળતા રહે તે માટે આ વિકલ્પ અપનાવાયો છે. પંજાબ કોંગ્રેસ દ્વારા ચંદીગઢ પ્રદેશ કોંગ્રેસને પણ આ જ વિકલ્પ અપનાવવા જણાવાયું છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પંજાબ-ચંદીગઢના પ્રભારી આશા કુમારી દ્વારા આ સુચના આપવામાં આવી હતી.
પંજાબના મંત્રી અને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજાર કૌર સિદ્ધુ તેમજ લુધિયાનાના પૂર્વ સાંસદ મનિષ તિવારી ચંદીગઢ બેઠક માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઉમેદવારી માટે ગળાકાપ સ્પર્ધા જાવા મળી રહી છે. સિદ્ધુ તેમજ તિવારી બન્નેને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રદીપ છાબરાએ રૂ. ૨૫,૦૦૦ ફી પેટે ભરવા જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY