ન્યુ દિલ્હી,તા.૨
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો ઉપર ચૂંટણી પંચ સતત નજર રાખી રહ્યું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના એક નિવેદનને લઇને ચૂંટણી પંચે આકરું વલણ ધારણ કર્યું છે અને એની ફરિયાદ રાષ્ટ્રપતિને કરી છે.
ચૂંટણી પંચે રાજ્યપાલ કલ્યાણ સિંહના નિવેદન પર સંજ્ઞાન લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોમવારે રાતે પત્ર લખ્યો અને તેમના નિવદનની ફરિયાદ કરી. સોમવારે મોડી સાંજે ચૂંટણી પંચની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને બેઠક બાદ રાષ્ટ્રપતિને એ અંગે પત્ર મોકલવામાં આવ્યો.
રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યપાલ કલ્યાણ સિંહના નિવેદન અને આચારસંહિતાના પાલન ઉપર તેની અસર અંગે વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલના પદની ગરિમા અનુસાર ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને આ મામલે યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ અને અમે ઇચ્છીએ છીએ કે ભાજપ મોટી જીત હાંસલ કરે અને દેશ માટે જરૂરી છે કે નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન બને. હાલ કલ્યાણ સિંહ રાજ્યપાલ તરીકે એક બંધારણીય પદ ઉપર તૈનાત છે અને ભારતના બંધારણ અનુસાર બંધારણીય પદ ઉપર રહેલી કોઇ પણ વ્યકિત કોઇ રાજકીય પક્ષનું સમર્થન કરી શકે નહીં. ?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



