ન્યુ દિલ્હી,તા.૨૪
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુક કરાયેલી પ્રશાસકોની સમિતિ(સીઓએ)એ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર લગાવેલ વચગાળાનો પ્રતિબંધ હટાવી દીધો છે. બીસીસીઆઈએ આ વાતની જાણકારી આપી હતી. આ પ્રતિબંધ હટ્યા પછી હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ જલ્દી ટીમ સાથે જાડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીસીસીઆઈના નિવેદન પ્રમાણે બંને ક્રિકેટરોનો પ્રતિબંધ તત્કાલ પ્રભાવથી હટાવી લીધો છે. આ સાથે બીસીસીઆઈ દ્વારા લોકપાલની નિમણુક કરવાની અરજી પર ૫ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
થોડા દિવસો પહેલા કાર્યકારી બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સીકે ખન્નાએ COAને લેટર લખીને આ બંને પરથી પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને રમવાની મંજૂરી આપવામાં આવે. પ્રતિબંધ હટાવવાનો નિર્ણય એમિક્સ કિયુંરી પીએસ નરસિમ્હા સાથે વાતચીત કર્યા પછી લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ એક ટીવી શોમાં મહિલાઓ ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તપાસ પુરી થાય ત્યાં સુધી બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કરી દીધા છે. રાહુલ પણ આ કાર્યક્રમમાં હતો. બંનેએ આ મુદ્દે કોઈપણ શરત વગર માફી માંગી લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





