ન્યુયોર્ક,તા.૨૭
ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડૉગ મિલિયોનેરના મૂળ ભારતીય કૂળના અભિનેતા દેવ પટેલે કહ્યું હતું કે મારા પર સતત એવો આક્ષેપ થાય છે કે હું ભારતીય કલાકારોને મળતા રોલ ચોરી લઉં છું.
‘મારા પર સતત આવા આક્ષેપો થતા રહેવાથી હવે હું કંટાળ્યો છું. હકીકત એ છે કે જેનામાં પ્રતિભા હોય એને કામ મળે. બીજાનુ કામ ચોરી લેવાનું શી રીતે શક્ય બને ? એકાદ વખત કદાચ એવું બનેય ખરું પરંતુ કાયમ એવું શી રીતે બને એ મને કહેશો ?’ એમ દેવ પટેલે સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એણે કહ્યું કે ઘણીવાર લોકો મને પૂછે છે કે આ રોલ અસલી ભારતીય કલાકારને કેમ ન મળ્યો ? અસલી ભારતીય એટલે શું એ મને સમજાતું નથી. હું મારા દાદા-દાદી સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરું છું. શું એને મારી અસલિયત કહેશો ? કે પછી વિવિધ એરપોર્ટસ્ પર રંગદ્વેષનો ભોગ બનું ત્યારે મને અસલી ભારતીય કહેશો ? આ કયા પ્રકારનો પૂર્વગ્રહ છે એ મને સમજાતું નથી. એણે ઉમેર્યું કે હકીકત એવી છે કે કેટલાક રોલ્સ સ્વીકારીને હું મારી જાતને બહેતર સમજવાનો પ્રયાસ કરતો હોઉં છું. એટલા માટે હું વારંવાર ભારતની મુલાકાતે જતો હોઉં છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




