પૂર્વ ઝોનમાં પ્રોપર્ટી ટેક્સની ચાર વર્ષ બાદ આકારણીઃ દિવાળી સુધી કામગીરી ચાલશે

0
118

અમદાવાદ,તા.૨૩
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી કમાઉ દીકરા તરીકે પ્રોપર્ટી ટેક્સ વિભાગ છે તેમ છતાં શાસકો દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિભાગની ઉપેક્ષા કરાતી હોઇ આજની સ્થિતિએ ૩૦થી ૪૦ ટકા સ્ટાફની અછત છે. એક-એક ટેક્સના વોર્ડ ઇન્સ્પેક્ટર પાસે ત્રણથી ચાર ટેક્સના વોર્ડ છે, જેના કારણે તંત્ર દ્વારા ચતુર્વર્ષીય આકારણીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વર્ષદીઠ એક કે બે ઝોનની આકારણી કરવાની નવી પદ્ધતિ અપનાવાઇ છે, જે મુજબ હાલના નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં પૂર્વ ઝોનની ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાઇ છે.
નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં નવા પશ્ચિમ ઝોનમાં આકારણી કરાઇ હતી. ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં તંત્ર દ્વારા આકારણી હાથ પર લેવાઇ હતી. હવે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં પૂર્વ ઝોનમાં આકારણી શરૂ કરાઇ છે.
એક અંદાજ મુજબ પૂર્વ ઝોનમાં ર.૭૭ લાખથી વધુ રહેણાક અને ૮૪ હજારથી વધુ બિનરહેણાક મિલકત મળીને ૩.૬૧ લાખથી વધુ મિલકત છે. પૂર્વ ઝોનમાં અત્યાર સુધીમાં આકારણી હેઠળ ૧.૪૦ લાખ મિલકતને આવરી લેવાઇ છે. ચતુર્વર્ષીય આકારણીની આ કામગીરી આગામી દિવાળી સુધીમાં પૂર્ણ કરી લેવાશે.
દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે, પૂર્વ ઝોનમાં ચાર વર્ષ બાદ આકારણી થઇ રહી હોઇ સ્વાભાવિકપણે ૧પથી ર૦ હજાર જેટલી નવી મિલકત વધશે. આમ ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ની આકારણીમાં જે રીતે મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોન મળીને ર૦ હજાર જેટલી નવી મિલકતો નોંધાઇ હતી તે જ રીતે પૂર્વ ઝોનમાં પણ નવી મિલકતમાં ખાસ્સી એવી વૃદ્ધિ થશે.
શહેર વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહયું હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નવી મિલકતની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે તેમ છતાં આઘાતજનક બાબત એ છે કે નવી મિલકતની તુલનામાં મ્યુનિસિપલ તિજારીની ટેક્સ આવકમાં વૃદ્ધિ થતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"