કોંગ્રેસ ધારાસભ્ય અદિતી સિંઘ પર જીવલેણ હુમલો : ફાયરિંગ પણ થયું

0
6

રાયબરેલી,તા.૧૪
ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક છે. તેને હોટ સીટ માનવામાં આવે છે અને આ સીટ હંમેશા ચર્ચામાં રહે છે. મંગળવારે આ બેઠકના કોંગી ધારાસભ્ય અદિતી સિંઘ પર કથિત રીતે જીવલેણ હુમલો થયો હતો. એમ મનાય છે કે ધારાસભ્ય અદિતી સિંઘની ગાડી ખૂબ દૂર સુધી હુમલાથી બચી આગળ વધતી રહી અને પછી અચાનક અનિયંત્રિત થઈને પલટી ખાઇ ગઇ.
માહિતી અનુસાર ઉમેદવારની કાર સહિત તેમના કાફલાની ત્રણ અન્ય ગાડીઓ પણ પલટી ખાઇ ગઈ હતી. અકસ્માતમાં અદિતી સિંઘ ઘાયલ થયા છે જેમને સારવાર માટે લખનૌ લઇ જવાયા છે. આ ઘટના રાયબરેલીમાં હરચંદપુર પોલીસ ક્ષેત્રની મોદી શાળા પાસે થઇ હતી.
વાસ્તવમાં અદિતી સિંઘ રાયબરેલી જીલ્લા પંચાયત અધ્યક્ષ અવધેશ સિંઘ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર થઇ રહેલા મતદાનમાં પોતના સમર્થકો સાથે ગયા હતા. અવધેશ સિંહ, સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર દિનેશ સિંહના ભાઈ છે અને તેમના ઉપર અદિતિ સિંઘ પર હુમલો કરાવવાનો આરોપ છે.
આરોપ છે કે પીછો કરતી ગાડીમાંથી કેટલાક લોકોએ અદિતી સિંઘ પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં તેઓ ઘાયલ થયા અને તેમને લખનૌની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જિલ્લા પંચાયતના ઘણા અન્ય સભ્યો પર પણ હુમલો થયો છે. આ દરમિયાન કથિત રીતે ગાડીઓના કાફલા પર પથ્થરમારો અને ગોળીબાર પછી ઘણી ગાડીઓ હાઇવે પર પલટી ગઇ હતી. અદિતી સિંઘના સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે પીછો કરતી ગાડીઓમાંથી અદિતી સિંઘ પર ફાયરિંગ પણ થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY