રાજકુમાર જાગ્યા હાથી-ઘોડાં ભાગ્યા

0
11

એક રજવાડું, મૂર્ખ યુવરાજ, અંધ રાજમાતા અને વૃદ્ધ નોકરની મજેદાર વાર્તા

એક જૂનું રજવાડું હતું. તેનાં પટ્ટરાણીને સારાં દિવસો રહ્યાં ત્યારે રંગેચંગે રાજ્યભરમાં ઉજવણી થઈ. રાણી સાહેબના પેટ પર જ રાજતિલક કરીને દરબારીઓ મન મૂકીને નાચ્યાં. જન્મ પહેલાં જ તેમણે ઘોષિત કરી દીધું કે, આ બાળક ભવિષ્યમાં રાજા બનશે. કોઈએ કહ્યું કે, પહેલાં પુત્રના લક્ષણો તો જોઈ લઈએ! બધાંએ તેવાં બે-ચાર ગદ્દારોને દેશનિકાલ આપી દીધો. આગળ જતાં રાજકુમારે લખ્ખણ ઝળકાવ્યા. ભણવામાં સાવ ઠોઠ, સામાન્ય બુદ્ધિ પણ નહીં. રાજકુમાર માટે અનિવાર્ય એવી ધનુર્વિદ્યા, ઘોડેસ્વારી, અસ્ત્રશસ્ત્રશાસ્ત્ર જેવી તમામ બાબતોમાં ઢ. ઢ ઢગાનો ઢ. એક વખત પડોશી રાજ્ય સાથે યુદ્ધ થયું. પ્રિન્સએ નિર્ણય લીધો કે, અશ્વો અને હાથીઓની જગ્યાએ યુદ્ધમાં ગધેડાઓ અને ઘેટાંઓને તક આપવામાં આવશે, કારણ કે, મારે કશોક ચેઇન્જ જોઈએ. પાડોશી રાજા મહાપરાક્રમી અને સામર્થ્યવાન હતો. ઢ પ્રિન્સની સેના હારી ગઈ. પણ પડોશી રાજાએ દયા દાખવી તેને રાજપાટ પાછું આપ્યું. પ્રિન્સ સુધર્યા નહીં. તેણે ફરમાન કર્યું કે, લુહારો હવેથી સોનીકામ કરશે, સોનીઓ માટલાં બનાવશે અને માળીઓ મકાન બાંધશે, કડીયાઓ બગીચાની દેખભાળ રાખશે… ગધેડાં પર અંબાડી મુકાઈ અને હાથીને માટી સારવાનું કામ સોંપાયું. ઘોડાં પરથી ઊન ઉતારવાનું ફરમાન થયું અને બકરાંઓને રથ સાથે જોડવામાં આવ્યાં. એક સવારે યુવરાજ, રાજમાતા તથા કુંવરી-જમાઈ ઉઠ્યા તો આખું નગર ખાલી. નગરજનો, ઘોડાં, હાથીઓ… બધાં જ યુવરાજના ગાંડપણથી ત્રાસી ભાગી ગયાં. રાજમાતાએ પ્રિન્સના ખભે હાથ મૂકીને કહ્યું, “યુવરાજ, તમે સાચા જ હતાં પણ લોકો તમને સમજી ન શક્યા!” બહેનડીએ પણ કહ્યું, “હા, ભઈલા… રાજમાતા સત્ય કહે છે” એટલામાં જ રાજમહેલનો એક જૂનો અને અતિવૃદ્ધ, દાઢીધારી ચોકીદાર ડગુમગુ થતો આવ્યો અને “રાજમાતાનો જય હો, યુવરાજ ઝીંદાબાદ…”કહી આખા પરિવારને કુર્નિશ બજાવી અને પૂછ્યું, “હવે મારા માટે શો હુકમ છે?” યુવરાજે કહ્યું કે, “ભાગ્યા છે એ બધાને સમજાવીને પાછા લઈ આવો, એમને ખોટેખોટાં કહેજો કે, હવે યુવરાજમાં બુદ્ધિ આવી ગઈ છે!” આટલું સાંભળતા જ વૃદ્ધ નોકરે કહ્યું, “એનાં કરતાં મારો જીવ માંગી લીધો હોત…” વાક્ય પૂરું કરતાં જ દાઢીધારી ચોકીદારે કેડેથી ઝેર પાયેલી કટારી કાઢીને પોતાનું ગળું વાઢી નાંખ્યુ.

કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY