રાજકોટ,તા.૫
મોડી રાત્રે થોરાડામાં જાહેર શૌચાલય પાસેથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ આવી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે અને મૃતક યુવકનું નામ ઈમરાન ઉર્ફ ઈમુ તાયાણી હોવાનું જણાવ્યું છે. હાલ થોરાડા પોલીસે હત્યા મામલે ૨ શખ્સની અટકાયત કરી છે. જ્યારે બુટલેગર અલ્તાફ ઉર્ફ છ આંગળીવાળો પોલીસ પકડથી દુર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
મળતી માહિતી અનુસાર રાત્રે અલ્તાફના ભાઇ મોઝમની ઇંડાની લારીએ ઇમરાન અને મોઝમ, ફિરોઝ પિંજારા સહિતના સાથે નાસ્તો કરતી વખતે ગાળાગાળી થઇ હતી. તે વખતે અલ્તાફ ઉર્ફ છ આંગળી પણ આવી જતાં ડખ્ખો વકર્યો હતો અને માથામાં બોથડ પદાર્થ ફટકારી ઇમરાનની હત્યા નિપજાવી હતી. જે બાદ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને યુવકને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો . જ્યા તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ૨ શખ્સની અટકાયત કરી હતી. બુટલેગર અલ્તાફ ઉર્ફ છ આંગળીવાળો પોલીસ પકડથી દુર છે. જેની શોધ પોલીસ કરી રહી છે. મહત્વનું છે કે ઈમરાન વર્ષ ૨૦૧૨માં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



