અમદાવાદ,તા.૨૯
રાજયના ખેડૂતોના સમર્થનમાં રાજકોટ શહેરમાં આજે કિસાન કોંગ્રેસ સેલ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નોને લઈને ધરણાં અને ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. ખેડૂતો અને ખેતી બચાવોની માંગ સાથે કોંગ્રેસનાં નેતાઓ ધરણાં પર ઉતર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા હળ સાથે આવ્યાં હતાં અને મંચ પર ખભે હળ રાખીને તેઓ બેસી ગયા હતાં તેમજ લલિત વસોયા, જવાહર ચાવડા, લલિત કગથરા, પીરજાદા સહિતનાં કેટલાંક ધારાસભ્યો પણ જાડાયા હતાં. આ સિવાય જિલ્લા પંચાયતનાં પ્રમુખોની પણ હાજરી કાર્યક્રમ દરમ્યાન જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપ્યું છે. ત્યારે હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂનાં રાજીનામા બાદમાં કોંગ્રેસનાં નેતાઓનો આ પ્રથમ કાર્યક્રમ હતો. આ સંમેલનમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પીએમ મોદીને ભ્રષ્ટાચાર અને પાકવીમા સહિતના મુદ્દા પર આક્રમક સવાલ પૂછ્યા હતા. તેમણે પીએમ મોદીને તેમણે ગુજરાતના ખેડુતો માટે કરેલા વાયદા પૂર્ણ નહીં કરવાના મુદ્દે પણ પ્રશ્નો પૂછ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપે તેના શાસનના ૨૨ વર્ષમાં ખેડૂતને પાયમાલી તરફ આગળ ધકેલી દીધો છે. આ ઉપરાંત ચુંટણી સમયે ઉંચા ભાવે મગફળી ખરીદી કરીને તેમાં આગ લગાડીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિના પગલે ખેડૂતો પાયમાલ બન્યા છે. ખેડૂતો પોતાની માંગ માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે. પરંતુ તેમને સસ્તી, પુરતી અને નિયમિત વીજળી નથી મળતી. આ ઉપરાંત ભાજપ સરકાર ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં પણ નિષ્ફળ નીવડી છે. તો, ખેડૂતોની ખેત્ પેદાશ પર પાંચ ટકા કરવેરો નાંખવાનું પાપ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોની જમીનની સેટેલાઈટ માપણી દ્વારા હદનિશાન અને ક્ષેત્રફળની વિસંગતતા ઉભી કરવામાં આવી છે. જેના લીધે વર્ગવિગ્રહ ફાટે તેવી સ્થિતિ છે. કરવેરામાં વધારો કરાતા ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ખેતઓજારો, ખાતર, બિયારણ, વીજબીલમાં જીએસટી નાખી ખેડૂતોનું ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્યાઓને લઈને સતત સંઘર્ષ કરતો ખેડૂત સમાજ આજે દેવાના બોજ નીચે દબાયો છે અને આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને સસ્તા બિયારણ, ખાતર અને વીજળી કેમ મળતા નથી તેનો જવાબ કોણ આપશે. આ ઉપરાંત સરકારને પાક વીમાના મુદ્દે ભીંસમાં લેતા આક્રમક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર પરાણે પ્રીમીયમ ઉધરાવે છે અને પાક નિષ્ફળ જાય ત્યારે પાકવીમાના નાણા કેમ આપતી નથી. આ સવાલ ગુજરાતનો દરેક ખેડૂત પીએમ મોદીને પૂછી રહ્યો છે, વડાપ્રધાને તેનો જવાબ જગતના તાતને આપવો જાઇએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



