ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા……સુરતમાં લાગેલ આગની ઘટના બાદ તંત્ર જાગ્યું
રાજકોટ,તા.૨૭
સરથાણામાં બનેલી આગની ઘટનામાં ૨૩ લોકોનો ભોગ લેવાયા બાદ તંત્ર જાગ્યું છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગારી હાથ ધરવામાં આવી છે. શહેરના આઠ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ૧૬ બિલ્ડિંગોમાં ૪૮૭૯૦ ચોરસ ફુટ જેટલું ડોમ સાથેનું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરી દેવાયું છે.
સાથે જ કતારગામની બે શાળામાં પતરાના શેડ હટાવી વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ઉપરાંત યોગી પ્રવૃત્તિ અને જ્ઞાનગંગા શાળામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં, સુરતની ઘટના બાદ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું શરૂ કરાયું છે.
રાજકોટમાં અનેક સ્થળો પર ગેરકાયદેસર બાંધકામ બિલ્ડરો અને કોન્ટ્રાકટરોએ ખડકી દીધા છે ત્યારે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાંની સાથે જ રાજકોટ મનપાની ટીમ ફરીથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મેદાનમાં ઉતરી છે. જેમાં સોમવારે વ્હેલી સવારે ૬ વાગ્યે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી ઈસ્ટઝોન હેઠળના વોર્ડ નં.૬માં રાંદરડા પાસેના પરશુરામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ડિમોલિશન હાથ ધર્યું હતું જેમાં ૧૫ કારખાનાઓનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. તદ્ ઉપરાંત માંડાડુંગર વિસ્તારમાં પણ અનેક નાના-મોટા ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કરી દેવામાં આવ્યો છે.
સોમવારે સવારે કોર્પોરેશનની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી બનાવાયેલા ૧૫ કારખાના તોડી પાડવામાં આવ્યા છે ત્યારબાદ ત્યાંથી માંડાડુંગર વિસ્તારમાં આચારસંહિતાના સમયગાળા દરમિયાન કરાયેલા અનેક નાના-મોટા ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની આચારસંહિતાના બે મહિનાના સમયગાળા દરમિયાન ડિમોલિશન થતું ન હોય આ સમયગાળાનો ગેરલાભ લઈ અનેકે ગેરકાયદે બાંધકામો કરી નાખ્યા હોવાનું ધ્યાને આવતાં મેગા ડિમોલિશન હાથ ધરી અનેક ગેરકાયદે બાંધકામોનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





