વિરમગામ ખાતે પ્રાન્ત ઓફિસરને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ
રાજકોટ ખાતે પત્રકારો પર જીવલેણ હુમલો કરનારા ગૌતમ કાનગડ સામે ન્યાયીક તપાસ કરી, શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત કરાઇ
રાજકોટ ખાતે ખાનગી ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો કરનારા રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય કે જેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે તે ગૌતમ કાનગડ સામે ન્યાયીક તપાસ કરી, શિક્ષાત્મક પગલા ભરીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખીને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. બુધવારે વિરમગામ ખાતે આ મુદ્દે અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા પ્રાન્ત ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં પીયૂષ ગજ્જર, નવિનચન્દ્ર મહેતા, કૌશિક ગાંધી, ગોવીંદ પનારા, ફઝલ પઠાણ, ઇમરાન મંડલી, વિરેશ પરમાર, આશુતોષ મહેતા, વંદના નીલકંઠ વાસુકિયા, જલારામ ભોજાણી સહિતના મોટી સંખ્યામાં અમદાવાદ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, રાજકોટ ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર રહીમ લાખાણી તથા કેમેરામેન ઉપર તારીખઃ-૦૪/૧૨/૧૮ના રોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે જ ગુંડાગીરી આચરી ગળું દબાવી શ્વાસ રૂંધી નાખવાનું ઘાતકી કૃત્ય આચરતા પત્રકાર આલમમાં રોષની લાગણી ફાટી નીકળી છે. સત્તાના મદમાં છકેલા રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ગૌતમ કાનગડ દ્વારા ચોથી જાગીર ઉપર હુમલાની આ હીન ઘટના અંગેની વિગતો જોઈએ તો અગાઉ મોરબીમાં પત્રકાર તરીકે કામગીરી કરતા અને હાલમાં રાજકોટ ખાતે સંદેશ ન્યુઝ ચેનલમાં કામ કરતા યુવા પત્રકાર રહીમ લાખાણી રિપોર્ટિંગ સબબ પોલીસ કમિશનર કચેરી નજીક હતા ત્યારે ગૌતમ કાનગડે પોતાની ગાડી રીવર્સમાં લેતા ગાડીનું વ્હીલ પત્રકાર રહીમના પગ ઉપર ફરી વળતા તેમને પાછળ જોઈ ગાડી ચલાવવાનું કહેતા જ સતાધારી ભાજપની હવા લઈને ઉડતા ગૌતમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ગાલી ગલોચ કરી પોતાની અસલિયત છતી કરી ફડાકા ઝીક્યાં હતા. રહીમ લાખાણી પત્રકાર હોવાનું જાણવા મળતા જ રોષે ભરાયેલ ગૌતમ કાનગડે બમણા જોશથી પત્રકારોને ભાંડવાનું શરૂ કરી રહીમ લાખાણીનું ક્રૂરતા પૂર્વક ગળું દાબી જીવલેણ હુમલો કરતા 108 મારફતે પત્રકાર રહીમ લાખાણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પત્રકાર ઉપર હુમલાની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતા પત્રકાર આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આરોપી સામે કડકમાં રડક પગલા ભરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા માંગણી કરવામાં આવે છે. ભાજપને સંસ્કારી રાજકીય પક્ષ માનવામાં આવે છે પરંતુ આવા કેટલાક ગુંડા તત્વોના કારણે ભાજપની બદનામી થઇ રહી છે તો ગૌતમ કાનગડ સહિતના ગુંડા તત્વોને ભાજપમાંથી તાત્કાલીક સસ્પેન્ડ કરવા અને આવા લોકોને ભાજપ જેવા સંસ્કારી પક્ષમા ન સમાવવા જોઇએ. પત્રકાર રહીમ લાખાણી તથા કેમેરામેનને ન્યાય મળે એ જ અપેક્ષા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




