રાજપીપલામાં સામાજિક ન્યાય દિવસની ઉજવણી સાથે જિલ્લામાં આજથી ગ્રામ સ્વરાજ અભિયાનનો થયેલો પ્રારંભ

0
542

છત્તીસગઢના બિજાપુર ખાતેથી વડાપ્રધાનશ્રીના આયુષ્યમાન ભારત યોજના

લોકાર્પણ સમારોહ-સંબોધનનું નિહાળાયુ જીવંત પ્રસારણ

૮ જેટલા લાભાર્થીઓને રૂા.૪.૭૩ લાખની સહાયના ચેકો સાથે સંત

સુરદાસ દિવ્યાંગ પેન્શનના બે લાભાર્થીઓને મંજૂરીપત્રો એનાયત

 

રાજપીપલા: નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમ, દલિત અધિકાર સંઘના પ્રમુખશ્રી મુળજીભાઇ રોહિત, સામાજિક અગ્રણીશ્રી જે.ડી. ચૌહાણ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના શ્રી ચેતનભાઇ પરમાર સહિત અન્ય આગેવાનો અને પ્રજાજનોની ઉપસ્થિતિમાં આજે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેકડરની ૧૨૭ મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા “સામાજિક ન્યાય દિવસ” ની ઉજવણીને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકીને જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે છત્તીસગઢના બીજાપુર ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આયુષ્યમાન ભારત યોજનાના યોજાયેલા સમારોહમાં વડાપ્રધાનશ્રી મોદીના સંબોધનના કરાયેલા જીવંત પ્રસારણને પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

રાજપીપલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આજે યોજાયેલા ઉક્ત કાર્યક્રમને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, ભેદભાવ, શોષણ, અન્યાય સામે હરહંમેશ ઝઝુમનારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઇને પણ અન્યાય ન થાય – સર્વને સમાનતા મળે તે માટે તેમના અનુભવોને આધારે મહિલા-પછાત-ગરીબ વર્ગને થતાં અન્યાય જેવી બાબતોને બંધારણમાં સમાવીને તેમને સાચો ન્યાય મળે તેવા અધિકારો આપીને બંધારણનું ઘડતર કર્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉ. બાબાસાહેબનો વિદ્યાર્થી જીવનકાળ ખૂબ જ મુશ્કેલીવાળો હોવા છતાં તેમને ક્યારેય કોઇ ફરિયાદ કરી નહોતી. બલ્કે તેમના અભ્યાસ પ્રત્યે તેઓ હંમેશા ધ્યાન આપતાં હતાં અને પોતે ખુબ જ જીજ્ઞાસુ હોવાથી પાઠ્ય પુસ્તકોમાંથી આગળની બાબતો જાણવાની પણ તેમને ટેવ હતી. આર્થિક મુશ્કેલીઓમાં પૈસા વિના પણ ઉચ્ચ અભ્યાસ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ બાબાસાહેબ આંબેડકરે પુરૂં પાડ્યું છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિશ્વના શ્રેષ્ઠ ૨૦ વિદ્યાર્થીઓની યાદીમાં પણ બાબાસાહેબ આંબેડકરના નામનો પ્રથમ ક્રમે ઉલ્લેખ છે, ત્યારે બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઇને હવે પછી કોઇને અન્યાય ન થાય અને સૌને સમાનતા મળે તે સુનિશ્વિત કરવાની સાથે બાબાસાહેબની વિચારધારા-આદર્શો-મૂલ્યોને મૂર્તિમંત કરવાના સંકલ્પ સાથે કટિબધ્ધ શ્રી નિનામાએ ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવણીની સાથે ગ્રામસભા અભિયાન પણ શરૂ કરાયું છે. આજના પ્રસંગે ડૉ. બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઇ તેમનો સંદેશ સાર્થક કરવાની દિશામાં સૌને કટિબધ્ધ થવાની ખાસ હિમાયત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ૮ જેટલા લાભાર્થીઓને કુંવરબાઇનું મામેરૂ, અત્યાચાર સહાય, ખાનગી ટ્યુશન સહાય તેમજ ડૉ. આંબેડકર આવાસના ત્રીજા હપ્તાની સહાય પેટે ૮ લાભાર્થીઓને કુલ રૂા.૪.૭૩ લાખની સહાયના ચેકો એનાયત કરવાની સાથે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બે લાભાર્થીઓને સંત સુરદાસ દિવ્યાંગ માસિક પેન્શન રૂા.૬૦૦/- ની સહાય મંજૂરીના પત્રો એનાયત કરાયાં હતા.

આ પ્રસંગે દલિત સમાજના અગ્રણીશ્રી જે.ડી. ચૌહાણે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમાજને થતાં અન્યાય સામે ન્યાય અપાવવામાં તનતોડ મહેનત કરનાર ડૉ. બાબાસાહેબે M.A., PHD, D.S.C., L.L.B., D.L.,  ની પદવી મેળવી હતી. વિદેશમાં અર્થશાસ્ત્ર વિષયમાં PHD કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. પરદેશમાં અભ્યાસ માટે સર સયાજીરાવ ગાયકવાડે બાબાસાહેબને શિષ્યવૃત્તિ આપી હતી. ૧૯૩૦, ૧૯૩૧ અને ૧૯૩૨ એમ સળંગ ત્રણ વર્ષ બ્રિટનમાં મળેલી ગોળમેજી પરિષદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભાગ લઇને ભારતના પછાત વર્ગો – સમાજના વંચિતોની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. બાબાસાહેબ ૯ ભાષાના જાણકાર હતા. ૧૯૩૨ માં થયેલા પૂના કરારમાં ભારતના વંચિતો-પછાતો માટે વિશેષ અધિકારોનો સમાવેશ કરાયો હોવાનું પણ શ્રી ચૌહાણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારીરી સલીમભાઇ શેખ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દિપેનભાઇ પંડ્યા, શ્રી હરેશભાઇ જોરાવીયા, દલિત સમાજના અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અંતમાં જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારીશ્રી સલીમભાઇ શેખે આભારદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમ અગાઉ આજે સવારે રાજપીપલા શહેરના રોહિતવાસ ખાતેથી ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જતીનભાઇ વસાવા, દલિત સમાજના આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી રેલીને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાઇ હતી. રેલીના પ્રારંભે મહાનુભાવોએ બાબાસાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરીને પુષ્પાંજલી અર્પી હતી. “જય ભીમ” અને “બાબાસાહેબ અમર રહો” ના નારા સાથેની આ રેલી રોહિતવાસથી હરસિધ્ધિ મંદિર થઇ, સંતોષ ચોકડી થઇ, સફેદ ટાવર થઇ સ્ટેશન રોડ થઇ, પેટ્રોલ પંપ પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી, જ્યાં મહાનુભાવો વગેરેએ ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY