મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયો રાજ્ય કક્ષાનો ઓન લાઇન જનફરિયાદ નિવારણ ઉપક્રમ

0
28

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણમાં રજૂઆત કરનારા નાગરિક-રજૂઆતકર્તા પ્રત્યે પૂર્વગ્રહ નહિ, પ્રો-એકટીવ અભિગમથી સમસ્યાના-પ્રશ્નના નિવારણ માટે તાકીદ કરી છે.
મુખ્યમંત્રીએ આ સંર્દભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સામાન્ય નાગરિક, ગરીબ-વંચિતને પોતાની સમસ્યા-રજૂઆત માટે જિલ્લા-તાલુકા કે રાજ્ય સ્વાગતમાં આવવું જ ન પડે તેવી પધ્ધતિએ તેની સમસ્યાનું સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓ દાયિત્વ નિભાવે.
વિજયભાઇ રૂપાણીએ પ્રજાજનોની રાવ-ફરિયાદ, રજૂઆતના ટેકનોલોજીના વિનિયોગથી સ્થળ પર નિવારણ માટે પ્રતિ માસના છેલ્લા ગુરૂવારે યોજાતા રાજ્યકક્ષાના સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણમાં ગાંધીનગર સ્થિત સ્વાગત કક્ષમાં ઉપસ્થિત રહી પ્રજાજનોની વેદના-સમસ્યા સંવેદનાપૂર્વક કાને ધરી હતી.
તેમની સમક્ષ આજે પોલીસ રક્ષણ તેમજ પોલીસ મથકમાં ફરિયાદની તપાસ, સાંથણીની જમીન તથા આવાસ સહાય સહિતના ૮ જેટલા પ્રશ્નોની રજૂઆત નાગરિકોએ કરી હતી.
મુખ્યમંત્રીએ સ્થળ પર જ સૂચનાઓ આપી આ રજૂઆતોનો સુખદ ઉકેલ સંવેદનશીલતા અને પારદર્શીતાથી લાવી દીધો હતો.
મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૩ના એપ્રિલ માસમાં શરૂ કરેલા રાજ્ય સ્વાગત ઓન લાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમની ૧પ વર્ષની સફળતાને પગલે ૯૩.૭પ ટકા પ્રશ્નો-રજૂઆતોનું સુખદ નિવારણ આવ્યું છે તે માટે કર્મયોગીઓની કાર્યદક્ષતાને બિરદાવી હતી. આ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ગૃહના અધિક મુખ્ય સચિવ ડાગૂર, શહેરી વિકાસના અગ્ર સચિવ મૂકેશ પૂરી તેમજ સંબંધિત વિભાગોના સચિવો, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઓ.એસ.ડી. ડી. એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY