આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસ પ્રક્રિયા આગળ વધે અને તેમાં પારદર્શિતા જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે એ.સી.બી.ના માળખાને વધુ સુદ્દઢ બનાવવા રાજ્યના ગૃહ વિભાગે અનેક પગલાં લીધા છે. એ.સી.બીની કામગીરી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બને તે માટે પ્રોસીક્યુશન, ફોરેન્સીક ઈન્વેસ્ટીગેશન, પુરતુ મહેકમ, અને આધુનિકરણ માટે નાંણાકીય ઉપલબ્ધિ અને આયોજન એમ પાંચ આધારસ્તંભોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
એ.સી.બીએ તેની કાર્યપ્રણાલિને વધુ પરિણામલક્ષી બનાવવા માટે આગામી પાંચ વર્ષ માટેનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમ.ઓ.યુ કરાયા છે. એટલું જ નહી પરંતુ સી.બી.આઈ એકેડેમી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સીક સાયન્સીઝ યુનિવર્સિટી સાથે તાલીમ માટે, ગુજરાત સ્ટેટ જ્યુડીશીયલ એકેડીમી સાથે, ગુજરાત સ્ટેટ લેવલ લીગલ સર્વીઝ ઓથોરિટી સાથે તથા ટેકનીકલ એન્ડ ફોરન્સીક સપોર્ટ યુનિટ ( TAFSU) સાથે પણ વિવિદ એમ.ઓ.યુ કરાયા છે.
એ.સી.બી.ના માળખાને વધુ પ્રજાભિમૂખ બનાવવા આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ચાલતાં ટ્રાયલના એ.સી.બી.ના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.સી.બી.ના મહત્વના કેસો માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક રાજ્ય સરકારે કરેલી છે. આ ઉપરાંત સી.બી.આઇની પધ્ધતિ મુજબ એ.સી.બી.ના કોર્ટમાં ચાલતા કેસો અંગે પબ્લીક પ્રોસીક્યુટર અને તપાસ અધિકારીને પ્રોસિક્યુશનમાં મદદરૂપ થવા માટે લીગલ સપોર્ટ સ્ટાફની નિમણૂંક એક કોર્ટ દીઠ કરાશે.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી ઝડપથી મળે તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને એ.સી.બી.ના નિયામક દર માસે એક બેઠકનું આયોજન કરશે. વર્ગ ૧ના અધિકારી વિરુધ્ધ તપાસ કરવા માટે એ.સી.બી.એ માંગેલી મંજૂરીની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મૂખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સચિવઓની કમિટિ બનાવવામાં આવશે.
જાહેર સેવકોએ વસાવેલ બેનામી તથા અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે એ.સી.બી.માં ખાસ ડી.એ યુનિટની રચના કરવામાં આવશે ઉપરાંત રાજ્યના દરેક વિભાગમાં વિજીલન્સ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલ છે. આ વિજીલન્સ ઓફીસર એસીબીના સંકલનમાં રહી તકેદારીને લગતી સુચારૂ કામગીરી કરશે.
કેસોના ઝડપી નિકાલ સારૂ એફ.એસ.એલ. ગાંધીનગર અને એફ.એસ.એલ.ની વિભાગીય કચેરીઓને વધુ સાધન-સંપન્ન બનાવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે ફોરેન્સીક સાયન્સ નો મહત્તમ ઉપયોગ થાય અને વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય તે અંગે એ.સી.બી.ના મદદનીશ નિયામકની ઓફીસ ખાતે TAFSU (ટેકનીકલ એન્ડ ફોરેન્સીક સપોર્ટ યુનિટ)ની રચના કરવામાં આવશે. એફ.એસ.એલ. ઉપરાંત એ.સી.બી.એ GFSU (ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી) પાસેથી પણ સેમ્પલનું ચેકીંગ કરાવી શકાશે આ પ્રકારના નિર્ણયોથી રાજ્યમાં ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરી આ બદીને દૂર કરવામાં આ નિર્ણયો મહત્વના પૂરવાર થશે.
વર્ષ ૨૦૧૮માં એ.સી.બી. ટ્રેપમાં પકડાયેલા કેસોની વિગતો આપતાં જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતને “ભ્રષ્ટાચાર મૂક્ત” બનાવવા મુખ્ય મંત્રીએ ગૃહ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે અને રાજ્યનો ગૃહ વિભાગ તે દિશામાં કાર્યરત છે. ભૂતકાળની કોંગ્રેસ સરકારોએ આચરેલી ભ્રષ્ટાચારની પરંપરા ગુજરાતની ભાજપ સરકારમાં નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. રાજ્ય સરકાર કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચારીઓને છાવરતી નથી અને છાવરવા માંગતી પણ નથી. ભ્રષ્ટ અધિકારીઓની માહિતી મેળવી, તેમની ભ્રષ્ટાચાર આચરવાની કાર્યપધ્ધતિ અંગે ગુપ્ત રીતે માહિતી મેળવી આવી કચેરીઓમાં ઓચિંતુ ચેકીંગ અને રેડ પાડવા માટે એ.સી.બી.ને સુચના અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે મળેલી સૂચનાના આધારે રાજ્યમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં કડક હાથે કામ લેવાની સુચનાના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. ત્યાં આવા ભ્રષ્ટાચાર અંગે ગુપ્ત બાતમી મળી હતી. છેલ્લા કેટલાય સમયથી સરકારી ગ્રાન્ટોનો તથા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આમ જનતાને મોટી રકમની લાંચ આપવી પડતી હોવાની ફરિયાદોના પગલે
તા. ૧૨મી એપ્રિલે એ.સી.બી.ના અધિકારીઓ/કર્મચારીઓએ ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું. નિગમના એમ.ડી કે.એસ.દેત્રોજા પાસેથી રૂ. ૧,૨૮,૦૦૦/- તથા સોનાના પેન્ડલ-બુટ્ટી, જોઈન્ટ ડાયરેકટર કે.સી પરમાર પાસેથી બિન હિસાબી રકમ રૂ. ૪૦,૫૨,૫૦૦/- મદદનીશ નિયામક એમ.કે.દેસાઈ પાસેથી બિન હિસાબી રૂ.૯,૦૦,૦૦૦/-, ફીલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા પાસેથી બિન હિસાબી રૂ. ૫,૦૦,૦૦૦/- તથા કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી બિન હિસાબી રૂ. ૭૦,૦૦૦ મળી આવ્યા હતા. આ બાબતે કે.એસ દેત્રોજા, કે.સી.પરમાર, સામે ગુનો દાખલ કરી તપાસ હથ ધરી છે. આ કેસમાં તથા આવા કોઈ પણ કેસમાં કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહિ આવે. આગામી દિવસોમાં આ પ્રકારના સર્ચ ચાલુ રખાશે અને આ દિશામાં રાજ્ય સરકાર અત્યંત કટિબધ્ધ છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાં આગામી સમયમાં હાથ ધરાનાર જળ સંચયના કામો માટે પણ રાજ્ય સરકારે સવિશેષ તકેદારી રાખી છે. જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપના દિન એટલે કે ૧લી મે થી ૩૧ મે દરમ્યાન સમગ્ર રાજ્યમાં જળ બચાવો અભિયાન હાથધરાનાર છે. તે માટે તા ૧૧/૦૪/૨૦૧૮ના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સિંચાઈ વિભાગ તથા સ્વૈચ્છિક સંસ્થાઓની એક બેઠક મળી હતી. તેમાં લેવાયેલા નિર્ણયો અંતર્ગત હવેથી જળ સંગ્રહ માટે ખેતતલાવડી તથા તળાવો ઉંડા કરવા સિંચાઈ વિભાગ કે જીએલડીસીના બદલે રાજ્યની પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓની સાથે રહીને આ કામગીરી હાથ ધરાશે. જેનો એક્શન પ્લાન અલગથી તૈયાર થઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અંદાજે ૮,૦૦૦ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરાનાર છે. આ કામગીરી માટે એન.જી.ઓ-ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાઓને તેમની મશીનરી માટે સરકાર તરફથી ડીઝલ આપવાની નિતી પણ ઘડાઈ રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જમીન વિકાસ નિગમના કેસ ઉપરાંત વર્ષ ૨૦૧૮ના ત્રણ માસમાં આઠ કેસો કરાયા છે. જેમાં પંચાયત, ગૃહ, નાણાં, શહેરી વિકાસ જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ-કર્મચારીઓ અને ખાનગી ઈસમો સામે કેસ કરાયા છે. વર્ષ ૨૦૧૭માં ૨૦ લોકો સામે રૂ. ૩૪,૬૭,૫૦૦/- ની રકમના અને વર્ષ ૨૦૧૮માં ૨૦ લોકો સામે રૂ, ૨,૮૯,૨૪,૬૦૦ની રકમના કેસો કરાયા છે. આ જ પૂરવાર કરે છે કે, રાજ્ય સરકારે આ બદી નાબૂદ કરવા કડક હાથે કામ લીધું છે. એ.સી.બી ગુનાઓની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરે છે અને સચોટ પુરાવા મેળવે છે તેથી જ આરોપીઓને સહેલાઈથી જામીન મળતા નથી અને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે છે એમ પણ શ્રી જાડેજાએ જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"